ગુજરાત
News of Sunday, 9th May 2021

ખાતર પરના ભાવ વધારાથી ખેડૂતો પર 1400 કરોડનું ભારણ વધશે:

ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવા રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહીલની માંગ

નવી દિલ્હી : રાસાયણિક ખાતરોના ભાવમાં કરાયેલા 58 ટકા તોતિંગ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગણી સાથે ખેડૂતોનો વિરોધ વકરતો જાય છે. ગુરુવારે ખેડૂત એકતા મંચ તેમજ આમ આદમી પાર્ટી અને ધંધુકાના ધારાસભ્ય રાજેશકુમાર સોંલકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે. ત્યાં વળી સામાજિક કાર્યકર્તા અને ખેડુત અગ્રણી ભરતસિંહ ઝાલાએ તેમના ઘરેથી ચળવળનો પ્રારંભ કર્યો છે. આ ચળવળમાં જોડાવવા ખેડૂતોને અપીલ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહીલે કોરોનાની મહામારીમાં અનેક તકલીફોનો સામનો કરી રહેલા ખેડૂતોના વપરાશ માટેના ખાતર ઉપરનો જંગી ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવા દેશના વડાપ્રધાન સમક્ષ માંગણી કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારીમાં અનેક તકલીફોનો સામનો કરી રહેલા ખેડૂતોના વપરાશ માટેના ખાતર ઉપર જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાથી ખેડૂતોને 1400 કરોડ રૂપિયાનું ભારણ વધશે અને સરકારને GSTની 250 કરોડની વધારાની આવક થશે.

આઝાદી પછીના આટલા વર્ષોમાં ક્યારે પણ આટલો મોટો ભાવ વધારો ખાતરમાં થયેલ નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા મટીરીયલ (રો મટીરીયલ) ની કિંમત કોંગ્રેસના શાસનમાં વધતી ત્યારે સરકાર સબસીડી વધારતી હતી. પરંતુ ખેડૂતોને તો ખાતર સસ્તું જ આપવામાં આવતું હતુ. તે જ રીતે સબસીડી વધારવામાં આવે અને ખેડૂતો ખાતરના ભાવ વધારાનો ભોગ ન બને તે જરૂરી છે. હાલ જુના ભાવનું ગુજરાત પાસે જે ખાતર છે તે જુના ભાવે જ આપવામાં આવે અને નવુ ખાતર ભાવ વધારો પાછો ખેંચીને પછી જ આપવામાં આવે તેવી માંગણી છે.

(11:10 pm IST)