ગુજરાત
News of Sunday, 9th May 2021

ઉદ્યોગપતિઓ-યુવાનો મેદાને, ચાર્ટર પ્લેનમાં તબીબો મોકલ્યા

સુરત,તા.૯ : સુરતમાં તો કોરોનાનો કહેર ઘટીરહ્યો છે. પરંતુ હવે ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, ગામડાઓમાં કોરોના સંક્રમિત થયા બાદ સારવાર ન મળતાં દર્દીઓ સુરત આવી રહ્યા છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં સુરતના ઉદ્યોગપતિઓ, યુવાઓ અને સેવા સંસ્થા આગાળ આવી છે અને ડોકટરોની ટીમને ચાર્ટર પ્લેન મારફતે સૌરાષ્ટ્ર પહોચાડવામાં આવ્યા છે. સંક્રમણ ઘટે ત્યાં સુધી આ ડોકટરો ગામડામાં સેવા આપશે. કોરોનાના પ્રથમ વેવમાં શહેરોમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધ્યું હતું. જો કે બીજા વેવમાં શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. સામાન્ય રીતે શહેરમાં ગામડા કરતા શહેરોમાં મેડીકલ વ્યવસ્થા આધુનિક હોય છે. જો કે સુરતમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. પરંતુ સૌરાષ્ટ્રમાં કોરોનાને કારણે સ્થિતિ વણસતા દર્દીઓ સારવાર માટે સુરત આવી રહ્યા છે.

                જેને લઈને સુરતમાં રહેતા પરંતુ મૂળ સૌરાષ્ટ્રના યુવાનો અને ઉદ્યોગકારોમાં ચિંતામાં વધી હતી. જેને ધ્યાનમાં રાખીને સુરતની સેવા સંસ્થા દ્વારા વતન જઈને દર્દીઓને ત્યાં જ સાજા કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મેડિકલ સ્ટાફ તેમજ યુવાનોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર તરફ જવાનું શરૂ કરવામાં આવ્યું છે.સુરત એરપોર્ટ ખાતેથી સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં ૯ જેટલા ડોક્ટરોની ટીમ તેમજ અન્ય ૯ ડોક્ટરો બાય રોડ સેવા આપવા માટે સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. કુલ ૧૮ ડોક્ટરો આજે સૌરાષ્ટ્ર પહોંચી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયા છે. સુરત એરપોર્ટ ઉપરથી સવારે આઠ વાગ્યે સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં ડોક્ટરો ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગર બાદ રાજકોટ પહોંચીને આઇસોલેશન સેન્ટરોની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. સુરતના જાણીતા ઉદ્યોગપતિ દ્વારા ડોક્ટરોને સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે સ્પેશિયલ ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં કોરોના સંક્રમણ પણ યથાવત્ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સુરત અને સૌરાષ્ટ્ર બન્ને સ્થળ ઉપર યોગ્ય સમયે સારવાર આપી શકે તે માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા ઉભી કરવી જરૂરી હતી. નિષ્ણાત ડોક્ટરો સવારે જઈને સાંજે પરત ફરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અન્ય ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ એક સપ્તાહ માટે સેવા આપશે. સોશિયલ મીડિયા ઉપર *ચાલો માતૃભૂમિનું ઋણ ચૂકવવા* ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ જોડાયા હતા. ગઈકાલે ૫૦૦ જેટલી ગાડીઓ મિતુલ ફાર્મ ખાતેથી રવાના થઈ હતી. સેવા સંસ્થા સાથે જોડાયેલ અન્ય ૨૫ જેટલી સંસ્થાઓ પોતાના વોલેન્ટિયર્સ સાથે મળીને કામગીરી શરૂ કરે છે. કોરોના સંક્રમિત દર્દી માટે ભાવનગર ખાતેથી ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

(7:32 pm IST)