ગુજરાત
News of Sunday, 9th May 2021

પંચમહાલના કલોલ તાલુકાના નાના એવા રાયસિંગપુરા ગામમાં લગ્નના માંડવે રૂડા ગીતો ગવાવા જોઇએ ત્યાં મરશીયા ગવાયા

દુલ્હનની તિક્ષ્ણ હથીયારોથી હત્યાર કરાઇ : વેજલપુર પોલીસે પહોંચી હત્યારાઓ સામે ગુન્હો નોંધી ધરપકડ માટે તપાસ આરંભાઇ

 ગોધરા: સાજ શણગાર સજી જે બનવાની હતી દુલ્હન, જેના હાથ પીઠીથી પીળા થવા ના હતા તેના જ હાથ લોહીથી થયા લથપથ, પોતાના ઘરેથી જે કોડભરી કન્યા ની ઉઠવા ની હતી ડોલી તેની ઉઠી છે અરથી....... વાત છે પંચમહાલના કાલોલ તાલુકાના ખોબા જેટલા રાયસિંગપુરા ગામની જ્યાં થોડા દિવસોમાં જ જેના લગ્ન યોજાવાના હતા તે દુલ્હનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના રાયસીંગપુરા ગામે ૧૯ વર્ષીય યુવતીની અજાણ્યા હત્યારાએ ઘાતકી હત્યા કરી મૃતદેહ ખેતરમાં ફેંકી દેતાં ચકચાર મચી જવા પામી છે. યુવતીના ઘર નજીક આવેલા ખેતરમાં ગળામાં ભાગે હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

બનાવની જાણ થતાં જ વેજલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે યુવતીના લગ્ન પડીકું લખવાના ગણતરીના કલાકોમાં જ કોણે અને કેમ તેણીની ઘાતકી હત્યા કરી જેનું રહસ્ય હાલ તો અકબંધ છે. જે સ્વજનોમાં આગામી દિવસે ખુશીઓનો માહોલ હતો ત્યાં ૧૨ કલાક પછી મરશિયા ગવાયા હતા.

ભૂમિકા ગુરૂવારે રાત્રે પોતાના ઘરે હતી. દરમિયાન મોડી રાત્રે તે ફોન ઉપર વાત કરી હતી એ વેળાએ તેણીનો ભાઈ પૃથ્વીરાજસિંહ નોકરી ઉપર ગયો હતો જ્યાંથી ઘરે આવ્યો હતો. પૃથ્વીરાજે પોતાનો નિત્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેની બહેનની તપાસ કરતાં ભૂમિકા ઘરમાં નહિં જોવાતાં જ શોધખોળ આદરી હતી.

દરમિયાન ભૂમિકાનો મૃતદેહ પોતાના ઘરની નજીક આવેલા ખેતરમાં લોહીથી લથબથ હાલતમાં પડેલો જોવાયો હતો. જેથી પૃથ્વીરાજસિંહ અને સ્વજનોએ બનાવ અંગે વેજલપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં ભૂમિકાના ગળાના ભાગે હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જણાય આવ્યું હતું.

વધુમાં ભૂમિકા પાસેના મોબાઈલ ફોનનું માત્ર કવર અને બેટરી જ મળી આવી છે આમ હત્યારા દ્વારા મોબાઈલ ફોન પણ લઈ જવામાં આવ્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે.પોલીસે  અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી ડોગ સ્કવોર્ડ અને એફ એસ એલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

રાયસિંગપુરા ગામની ભૂમિકાના લગ્ન ઘોઘબા તાલુકાના મહાદેવીયા ગામે સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આગામી ૨૩ મેના રોજ યોજાનારા લગ્ન પૂર્વે ગુરૂવારે રીતિ રિવાજ મુજબ તેની સાસરિયા અને સ્વજનોની ઉપસ્થિતીમાં તેણીના ઘરે લગ્ન લખવામાં આવ્યા હતા. માંગલિક પ્રસંગની ખુશીઓ વચ્ચે જમણવાર પણ યોજવામાં આવ્યો હતો. જેનાબાદ ગણતરીના કલાકોમાં જે ઘરમાંથી ભૂમિકાની ડોલી ઉઠવાની હતી એજ ઘરમાંથી તેની અર્થી ઉઠી હતી.

ભૂમિકાની હત્યાનું રહસ્ય ઘૂંટાતુ જઈ રહ્યું છે કારણ કે અગાઉ વર્ષ 2014માં પણ તેના પિતા અને કાકા સાથે જમીનમાં રસ્તા મુદ્દે ઝગડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી કરવામાં આવ્યો હતો. જે અંગે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને હત્યારાને સજા પણ થઈ હતી. ત્યારે હવે લગ્ન પહેલા ભૂમિકાની પણ હત્યા થતા વેજલપુર પોલીસે આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે કે જૂની કૌટુંબિક અદાવતમાં તે દિશામાં તપાસ હાથ ધરી છે.

(2:05 pm IST)