ગુજરાત
News of Sunday, 9th May 2021

ગુજરાતમાં વિદેશની ડિગ્રી ધરાવતા ડોકટર કોવિડ સહાયક તરીકે કામ કરી શકે

૯૦ દિવસ માટે રૂ. ૧પ૦૦૦ ના પગાર સાથે ડોકટરોને નિમણુંક આપવા રાજય સરકારનો નિર્ણય

ગાંધીનગર: કોરોના મહામારીના આ કપરા કાળમાં સંક્રમણે શહેરો બાદ હવે ગામડામાં પણ તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. જેના કારણે શહેરોની સાથે હવે ગામડાઓમાં પણ સ્વાસ્થ્ય સુવિધાથી લઈને તાલીમબદ્ધ હેલ્થ વર્કર્સની કમી ઉભી થવા લાગી છે. એવામાં ગુજરાત સરકારે એક અગત્યનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત વિદેશની મેડિકલ કૉલેજ અને યુનિવર્સિટીમાંથી મેડિકલનો અભ્યાસ કરીને સ્નાતક થનારા વિદ્યાર્થીઓ પણ કોવિડ સહાયક તરીકે કામ કરી શકશે.

સામાન્ય રીતે વિદેશથી મેડિકલનો અભ્યાસ કર્યા બાદ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે આવા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની હોય છે, પરંતુ કોરોનાના કાળમાં સરકારે જે સ્નાતકોના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE)માં પાસ થવાનું બાકી છે, આવા વિદેશી ડિગ્રી ધારકોને પણ રાજ્યમાં કોવિડ સહાયક તરીકે સેવામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, જે વિદ્યાર્થીઓ FMGEની પરીક્ષા આપી ચૂક્યા છે, પરંતુ પાસ નથી થઈ શક્યા તેઓ પણ કોવિડ સહાયક તરીકે સેવામાં જોડાઈ શકે છે.

ગુજરાત સરકાર આવા વિદેશી ડિગ્રી ધારકોની 90 દિવસો સુધી કોવિડ સહાયક તરીકે સેવા લેશે. આ દરમિયાન પ્રતિ મહિને તેમને 15 હજાર રૂપિયાનું મહેનતાણું પણ ચૂકવવામાં આવશે.

(2:04 pm IST)