ગુજરાત
News of Sunday, 9th May 2021

વલસાડ જિલ્લાની ખાનગી હોસ્‍પિટલ વેન્‍ટિલેટર લોન પર મેળવી દર્દીની સારવાર કરી શકશે

કોરોનાગ્રસ્‍ત ગંભીર દર્દીઓની સારવાર માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલની સંવેદનશીલ પહેલ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : હાલમાં કોરોનાના કપરા કાળમાં કોરોનાગ્રસ્‍ત લોકો પૈકી વધુ ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને સારવાર માટે હોસ્‍પિટલોમાં દાખલ થવું પડે છે અને તેમાં ઘણા કિસ્‍સાઓમાં ઓક્‍સિજન લેવલ શરીરમાં ઘટી જતાં દર્દીને વેન્‍ટિલેટર મશીનથી ઓક્‍સિજન આપવાની જરૂરિયાત પડે છે. વલસાડ જિલ્લા ખાતેની પ્રાઈવેટ હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વેન્‍ટિલેટરની જરૂરિયાત પડે તે સમયે પ્રાઈવેટ હોસ્‍પિટલમાં વેન્‍ટિલેટર ઉપલબ્‍ધ ન હોવાના કારણે આવા દર્દીઓ અને દર્દીના સબંધીઓને ઘણી પારાવાર મુશ્‍કેલીઓ અને હાલાકી ભોગવવી પડે છે. આવા ગંભીર દર્દીને તાત્‍કાલિક અન્‍ય સ્‍થળે લઇ જવું પણ જોખમી હોય છે. આવા સંજોગોમાં ઉપાય તરીકે માનવીય અને સંવેદનશીલ દ્રષ્‍ટિકોણને લક્ષમાં લઈને જિલ્લા કલેકટર આર.આર.રાવલે વેન્‍ટિલેટર લોન પર મેળવી ગંભીર દર્દીઓની સારવાર કરી દર્દીનો જીવ બચાવી શકે તે માટેની એક અનોખી પહેલ કરી છે. સિવિલ હોસ્‍પિટલ ખાતે ઉપલબ્‍ધ રહેલા વેન્‍ટિલેટરમાંથી તાત્‍કાલિક જયાં દર્દીઓને વેન્‍ટિલેટરની જરૂરિયાત હોય પરંતુ વેન્‍ટિલેટર ઉપલબ્‍ધ ન હોય તેવા સમયે તે પ્રાઈવેટ હોસ્‍પિટલ તરફથી સિવિલ હોસ્‍પિટલનો સંપર્ક કરી વેન્‍ટીલેટર મેળવી શકાશે. આ વેન્‍ટિલેટર જે દર્દી પર મૂકવામાં આવે તે દર્દી પાસેથી પ્રાઈવેટ હોસ્‍પિટલે વેન્‍ટિલેટરનો ચાર્જ લેવાનો રહેશે નહીં.
 આ માટે જે તે હોસ્‍પિટલ તરફથી કયા દર્દી માટે વેન્‍ટિલેટર મંગાવવામાં આવે છે તે દર્દીની વિગત અને દર્દીને કયારે વેન્‍ટિલેટર ચાલુ કરવામાં આવેલ છે અને કયાં સુધી ચાલુ રાખવામાં આવેલ છે તેની વિગતો મોકલવાની રહેશે. વેન્‍ટિલેટર મેળવવા માટે સિવિલ હોસ્‍પિટલ વલસાડ ખાતેના એનેસ્‍થેસિયા વિભાગના એચ.ઓ.ડી.નો સંપર્ક કરવાનો રહેશે. ત્‍યારબાદ તબીબી અધિક્ષકની કચેરી તરફથી વેન્‍ટિલેટરની ફાળવણી જે તે હોસ્‍પિટલને કરવામાં આવશે. વધુમાં આકસ્‍મિક સંજોગોમાં સિવિલ હોસ્‍પિટલની ટીમ તરફથી આ પ્રકારની હોસ્‍પિટલ કે જયાં સિવિલ હોસ્‍પિટલ તરફથી વેન્‍ટિલેટર ફાળવવામાં આવેલું હશે તેવી હોસ્‍પિટલની મુલાકાત કરી આ બાબતોની ખરાઈ પણ કરવામાં આવશે.
   જિલ્લા કલેકટર આર.આર.રાવલનો આ સંવેદનશીલ નિર્ણય વેન્‍ટિલેટરના અભાવે દુઃખી થતા દર્દીઓ માટે ખરેખર આશીર્વાદ રૂપ બની રહેશે. હાલની જિલ્લાની ઓકિસજનની સ્‍થિતિની સમીક્ષા કર્યા બાદ જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર પણ ઓછામાં ઓછા ૨૫ ઓકિસજન બેડની સુવિધા તાત્‍કાલિક અસરથી ચાલુ કરવા કલેકટર રાવલે સબંધિત અધિકારીઓને સૂચના આપી છે. જેથી ગ્રામ્‍ય વિસ્‍તારના દર્દીઓ તાલુકા કક્ષાએ જ ઓકિસજનની સુવિધા મેળવી શકશે અને જિલ્લા કક્ષાએ સિવિલ હોસ્‍પિટલ સુધી આવવું ન પડે શ્રી રાવલનો આ પ્રજાલક્ષી નિર્ણય પણ ગ્રામ્‍ય વિસ્‍તારના દર્દીઓ માટે રાહતરૂપ બની રહેશે.

(10:55 am IST)