ગુજરાત
News of Sunday, 9th May 2021

આખરે સત્યની જીત: રાજપીપળા પાલિકા ભાજપના પૂર્વ સભ્યોના રાજીનામાં રદ કરતો કોર્ટે નો હુકમ

કોર્ટે કહ્યું કે રાજીનામુ પૂર્વયોજિત કાવતરું હતું, કોરા કાગળ પર સહી કરાવી પાછળથી રાજીનામા લખાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાલિકા ભાજપના 4 સભ્યોના રાજીનામાં મંજુર કરાતા વિવાદ થયો હતો.આ રાજીનામાં મુદ્દે તેઓ કોર્ટમાં ગયા હતા.કોર્ટે પણ સ્વીકાર્યું કે આ રાજીનામાં પૂર્વયોજિત કાવતરા રૂપી હતા, આમ 3 વર્ષ બાદ સત્યની જીત થતા પાલિકા ભાજપના 4 પૂર્વ સભ્યોને ન્યાય મળ્યો છે.જો કે આ ચુકાદા બાદ પણ એમને એમનું સભ્ય પદ તો પાછું નહિ જ મળે.
રાજપીપળા પાલિકામાં વર્ષ 2015 માં ઇતિહાસમાં પહેલી વખત ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી.અઢી વર્ષની ટર્મ બાદ ફરીથી બીજી ટર્મ માટે 14/6/2018 ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી હતી.જો કે ભાજપના જ ચૂંટાયેલા 4 સભ્યો હરદીપસિંહ સિનોરા, દત્તાબેન ગાંધી, જગદીશ વસાવા, નયનાબેન કાછીયા નારાજ ચાલી રહ્યાં હતા.તેઓ બીજા ટર્મ માટેની ચુંટણીમાં વિરુદ્ધ મતદાન કરશે એવી ભીતિને પગલે 13/6/2018 ના રોજ પાલિકા સભ્ય પદેથી એમનું રાજીનામુ મંજુર કરી દેવાતા ખળભળાટ મચ્યો હતો.
કોરા કાગળ પર સહીઓ કરાવી પોતાના બનાવટી રાજીનામાં લખ્યા હોવાનો આક્ષેપ એ ચાર સભ્યોએ કર્યો હતો અને ન્યાય માટે મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન ગાંધીનગર કોર્ટમાં ગયા હતા.3 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો કે રાજીનામાં શંકાસ્પદ હોવાથી રદ કરવાનો હુકમ કરવામાં આવે છે.કોર્ટે એવું તારણ કાઢ્યું કે રાજીનામાના પત્ર કોરા કાગળ પર સહી મેળવી પાછળથી રાજીનામુ લખાવ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.આ પૂર્વયોજિત કાવતરું હોવાનું માની શકાય.જો કોર્ટ જ એમ કહેતી હોય કે રાજીનામું પૂર્વયોજિત કાવતરું છે ત્યારે આ કાવતરું રચનાર પર કાર્યવાહી થશે કે કેમ એ જોવું રહ્યુ

(11:19 pm IST)