ગુજરાત
News of Friday, 9th April 2021

કોરોનાકાળમાં લોકોની મુશ્કેલીઓની મજાક સરકાર ન ઉડાવે: શક્તિસિંહ ગોહિલે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

નાયબ મુખ્યમંત્રીનું નિવેદન આઘાતજનક અને અહંકારપૂર્ણ છે

 

અમદાવાદ : કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે CM રૂપાણીને પત્ર લખીને લોકોની સારવાર માટે યોગ્ય સુવિધા ઊભી કરવા માટે પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં આક્ષેપ કર્યો છે કે, સરકાર વિપક્ષની રજૂઆતોને ધ્યાને લેતી નથી તેઓ રજૂઆતને માત્ર આક્ષેપ ગણે છે. સાથે ગુજરાતમાં જરૂરી RT-PCR ટેસ્ટ થતાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રમાં જણાવ્યુ છે કે, કોરોનાની મહામારીના સમયે માત્ર લોકોને પડતી અનેક મુશ્કેલીઓને આપના સુધી પહોંચાડવા માટે અને જાહેર જીવનના એક જવાબદાર વ્યક્તિ તરીકે સંવેદનશીલતાને હચમચાવી મુકે તેવા કેટલાક ટેલિફોનિક સંદેશાઓ બાદ મેં એક પરિસ્થિતિનો ચિતાર આપતો મારો વીડિયો અને પ્રેસનોટ જારી કરી હતી. જેમાં કોઈ મોટા રાજકીય આક્ષેપોના બદલે કેટલીક વાસ્તવિક બાબતોનો ચિતાર રજુ કર્યો હતો. કમનસીબે આપની સરકારે મારી બાબતને સકારાત્મક લેવાના બદલે આપના એક મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ બાબતોને નકારી અને સબ સલામત છે અને કોઈ ચિંતા નથી માત્ર કોંગ્રેસવાળા રાજકીય આક્ષેપો કરે છે તેવા પ્રકારની પ્રેસને પ્રતિક્રિયા આપી. એનાથી મને અત્યંત દુખ થયું છે. આના સંદર્ભમાં હું આપને ભાવનગર સરકારી હોસ્પિટલની એક વીડિયોની લિંક મોકલી રહ્યો છું. જેને નીહાળીને આપને પણ લાગશે કે, કેટલીક ખરાબ પરિસ્થિતિ તંત્ર દ્વારા થઈ રહી છે. કેટલાંક નિષ્ઠાવાન અને પ્રમાણિક ભાવનગરના તેમજ અન્ય વિસ્તારોના પત્રકારો દ્વારા જે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરીને છાપવામાં આવ્યો છે તેના કટિંગ તેમજ સાહિત્ય સાથે શામેલ છે. અમદાવાદની SVP હોસ્પિટલથી લઈને તમામ જગ્યાએ મેં ખુદ જાતે ICU બેડ માટે પ્રયત્ન કર્યો હતો અને તમામ જગ્યાએથી કહેવામાં આવ્યું હતું કે, બધા ICU બેડ ભરેલા છે અને વેઈટિંગ ચાલી રહ્યું છે. ત્યારબાદ મેં મારી પ્રતિક્રિયા આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, વાસ્તવિક પરિસ્થિતિને સકારાત્મક રીતે લઈને લોકોની મુશ્કેલીઓ દુર કરવાના બદલે કોંગ્રેસ રાજકીય આક્ષેપ કરે છે. તે આપની સરકારના મંત્રીનું કહેવું છે. મને લાગે છે કે, લોકશાહી રીતે બેઠેલી સરકાર માટે શરમજનક ગણાય. કોરોના માટે જરૂરી RT-PCR ટેસ્ટ કરવામાં આવતા નથી, જરૂરી દવાઓ અને ઈન્જેકશનો માટે લોકો રઝળયા કરે છે અને છતા દવાઓ અને ઈન્જેકશનો મળતા નથી તેમજ RT-PCR ટેસ્ટ થતા નથી. તેવા સતત મારા ઉપર ટેલીફોન આવી રહ્યા છે.

મારી આપને નમ્ર વિનંતી છે કે, આપ એક આપની ઓફિસમાં એવો ટેલીફોન નંબર અને જવાબદાર અધિકારીને બેસાડો કે આવી કોઇપણ મુશ્કેલી આવે તો સીધી આપને ત્યાં લોકો રજૂઆત કરી શકે અને જેથી આપને પણ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે અને અમારા જેવા લોકો પાસે જે ટેલીફોનો આવે છે એમને પણ અમે કહી શકીએ કે હવે સરકારે કોઈ વ્યવસ્થિત તંત્ર ઉભું કર્યું છે. તો અંગેની વ્યવસ્થા આપ તાત્કાલિક કરશો અને જવાબદાર અધિકારીઓ અને એમના ટેલીફોન નંબરો કે જેઓ ગુજરાતના દર્દીઓ અને તેમના પરિવારોને પડતી પારાવાર મુશ્કેલીઓને રજુ કરી શકે અને તેમનું નિરાકરણ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરશો.

તેમણે અંતમાં જણાવ્યુ હતું કે, લોકશાહીમાં ચુંટાયેલી સરકાર લોકોના દુખ, દર્દની અવગણના કરી ના શકે. લોકોની પારાવાર મુશ્કેલીનો વીડિયો જોવાનો સમય કે જરૂરિયાત નથી તેવું નાયબ મુખ્યમંત્રીનું નિવેદન આઘાતજનક અને અહંકારપૂર્ણ છે તે વાતનો આપ પણ સ્વીકાર કરશો. કપરા સમયમાં લોકોની મુશ્કેલીઓની મજાક સરકાર ઉડાવે તે આપ સુનિશ્ચિત કરશો તેવી અપેક્ષા રાખું છું.

 

(1:05 am IST)