ગુજરાત
News of Friday, 9th April 2021

કોરોનાનો કહેર વધતા રાજ્યમાં બોર્ડની પરીક્ષા પાછી ઠેલાવવા માંગણી

ઓલ ગુજરાત વાલીમંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને બોર્ડની પરીક્ષાને જૂન મહિનામાં લેવા માટે માંગ કરી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર વધાયો છે ત્યારે ગુજરાતના 20 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતની બોર્ડની પરીક્ષાને પાછી ઠેલવવા માટે માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કહેરને જોતાં શાળાઓને પહેલા જ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે હવે બોર્ડની પરીક્ષાને લઈને પણ માંગ તેજ કરવામાં આવી રહી છે

ગુજરાતમાં મે મહિનામાં બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઓલ ગુજરાત વાલીમંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને બોર્ડની પરીક્ષાને જૂન મહિનામાં લેવા માટે માંગ કરી છે. વાલીમંડળનું માનવું છે કે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે અને તેને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષાઓ જૂન મહિનામાં લેવી જોઈએ. 

નોંધનીય છે કે ભારતના એવા ઘણા રાજ્યો છે જ્યાં બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બોર્ડ સિવાયના તથા તામિલનાડુમાં 9થી 11 ધોરણના વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં પ્રાથમિક તથા આસામમાં ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં ચડાવી દેવામાં આવ્યા છે. 

(10:17 pm IST)