ગુજરાત
News of Friday, 9th April 2021

જીટીયુ બાયો સેફટી લેબોરેટરીને RT PCR ટેસ્ટની મંજૂરી

સવારે ટેસ્ટ કરાવનારનેસ સાંજે જ મળી જશે રિપોર્ટ : અત્યાર સુધી 133થી પણ વધુ કોવિડ-19ના સેમ્પલનું નિદાન કરાયું

સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં દરેક લેબોરેટરી પર 2 કે તેથી વધુ દિવસનું RT-PCR ટેસ્ટીંગ સંદર્ભે વેઈટીંગ ચાલી રહ્યું છે. ત્યારે ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) બાયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RT-PCR) ટેસ્ટની મંજૂરી આપવામાં આવેલી છે.

 આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે જણાવતાં કહ્યું હતું કે, પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવેલા છે. ICMR દ્વારા કોવિડ-19ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારના માન્યદરે રૂપિયા 800માં ટેસ્ટીંગ કરી આપવામાં આવે છે. છેલ્લાં 15 દિવસથી RT-PCR ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. દિવસ દરમિયાન એટલે કે સાંજ સુધી ટેસ્ટની કામગીરી હાથ ધરાશે. પરંતુ સવારે 10થી 12 વાગ્યા સુધીમાં ટેસ્ટ કરાવી જનારી વ્યક્તિને સાંજે 6 વાગ્યા સુધીમાં રિપોર્ટ ઉપલબ્ધ થઇ શકશે. ત્યારબાદ ટેસ્ટ કરાવનારી વ્યક્તિને બીજા દિવસે રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેરે પણ વધુમાં વધુ લોકોએ આ લેબનો લાભ લેવા માટે જણાવ્યું હતું.

 

જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(AIC)ના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 133થી પણ વધુ કોવિડ-19ના સેમ્પલનું યોગ્ય નિદાન કરવામાં આવેલ છે. આ ઉપરાંત જીટીયુની બાયોસેફ્ટી લેબોરેટરીઝ ICMRના તમામ પ્રકારના ધારાધોરણોને અનુરૂપ બનાવવામાં આવેલ છે. હાલની સ્થિતિમાં દરેક કોવિડ લેબ પર વેઈટીંગ જોવા મળે છે. જેના કારણોસર યોગ્ય નિદાનની જાણ થતાં સમય લાગે છે. જેથી કરીને સમયાનુસાર સારવાર મળતી નથી અને સંક્રમણનો ભય પણ રહે છે.

જેટલું જલ્દી નિદાન થઈ શકે તેટલું ઝડપી સારવાર અને સંક્રમણને ફેલાતું રોકી શકાશે. જાહેર લોકોને જીટીયુ બાયોસેફ્ટી લેબ ખાતે ટેસ્ટીંગ કરવા માટે કામકાજના દિવસો દરમિયાન બપોરે 12 વાગ્યા પહેલાં સેમ્પલ આપવાનું રહેશે. સેમ્પલ આપ્યાના અંદાજે 6 કલાકના સમયમાં રીપોર્ટ મેળવી શકશે. વધુ માહીતી માટે એઆઈસી સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટનો સંપર્ક 07923267642 નંબર પર સવારે 10:30 થી 6:10 કલાકે કરી શકાશે.

(9:56 pm IST)