ગુજરાત
News of Friday, 9th April 2021

કોરોના મહામારીના કારણે 8 મહાનગરપાલિકા વિસ્‍તારોમાં બીજી સૂચના ન મળે ત્‍યાં સુધી ધો.10ની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરિક્ષાઓ મોકુફ રાખવા ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય

ગાંધીનગર: કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના મરજિયાત વિષયોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષામાં કેટલાક સુધારા કર્યા છે. તે મુજબ 8 મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓએ બીજી સૂચના ન મળે ત્યાં સુધી આ પરીક્ષાઓ મુલતવી રાખવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારની શાળાઓ તા.15મી થી 30મી એપ્રિલ સુધી શાળા કક્ષાના વિષયની પરીક્ષા લેવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ દ્રારા શાળાના આચાર્યોને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, મે-2021માં લેવાનારી ધો.10ની પરીક્ષાઓ તા.10 મેંથી 20 મે દરમિયાન યોજાનારી છે.

દર વર્ષની જેમ ધો.10 પરીક્ષાની યોજના અંતર્ગત જૂથ-2માં સમાવિષ્ટ મરજીયાત વિષયોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએ લેવાતી હોય છે. આ પરીક્ષાની તારીખો જે તે વર્ષના શાળાકીય પ્રવુતિ કેલેન્ડરમાં દર્શાવવામાં આવતી હતી. આ વર્ષે શાળાકીય પ્રવુતિ કેલેન્ડર તૈયાર થયેલું ના હોવાથી શાળા કક્ષાના વિષયની પરીક્ષાઓ 15મી એપ્રિલથી તા.17મી એપ્રીલના દિવસોમાં સવારે 11 કલાકે શાળા કક્ષાએ લેવાની અને તેના ગુણ બોર્ડની સૂચના મુજબ ઓનલાઇન દર્શાવવાના રહેશે તેવી સૂચના આપવામાં આવી હતી. જો કે કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે ઉપરોક્ત સુચનાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. તેથી શાળા કક્ષાના વિષયોની પરીક્ષા 15 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન આઠ મહાનગરપાલિકા સિવાયના વિસ્તારમાં લેવાની રહેશે.

વધુમાં જણાવ્યું છે કે, શાળાઓ ખોલવામાં આવે ત્યારે જે SoPનો અમલ કરવાનું જણાવ્યું છે તેની તમામ સૂચનાઓ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાના ચુસ્ત અમલ સાથે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી શાળાઓએ પરીક્ષા લેવાની રહેશે. શાળામાં ભણતાં ધો.10ના વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખી શાળા અલગ-અલગ તારીખ અને સમય મુજબ વિદ્યાર્થીઓની બેચ બનાવી, તબક્કાવાર પરીક્ષા લઇ શકશે. પરીક્ષાની દરેક ( બેચ ) તબક્કામાં સૈધ્ધાંતિક પ્રશ્નપત્ર અલગ હોવું જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોવિડ 19ના સંક્રમણના કારણે અથવા તો કન્ટેન્મેન્ટ ઝોન હોવાના કારણે જો કોઇ નિયમિત/ખાનગી નિયમિત વિદ્યાર્થીઓ શાળા કક્ષાના વિષયની સૈધ્ધાંતિક કે પ્રાયોગિક પરીક્ષાથી વંચિત રહી ગયેલ હોય તો તેવા ઉમેદવારો માટે શાળાએ જિલ્લાશિક્ષણાધિકારીની પૂર્વ મંજ્રરી મેળવી બોર્ડની એસ.એસ.સી.ની પરીક્ષા પહેલાં સૈધ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

રેગ્યુલર અને પ્રાઇવેટ રેગ્યુલર વિદ્યાર્થીઓને શાળા કક્ષાના વિષયની પરીક્ષાની તારીખોમાં જે ફેરફાર કરવામાં આવ્યો હોય તેની સંબંધિત તમામ ઉમેદવારોને આપની કક્ષાએથી જાણ કરવાની રહેશે. આ વિદ્યાર્થીઓના કિસ્સામાં શાળા કક્ષાના વિષયના મેળવેલા ગુણ અને નિયમિત વિદ્યાર્થીઓએ 20 ગુણમાંથી મેળવેલા આંતરિક ગુણ શાળાકીય પરીક્ષા પૂર્ણ થયેથી શાળા કક્ષાએ રાખવા અને બોર્ડની સૂચના મળ્યેથી ઓનલાઇન વેબસાઇટ ઉપર અપલોડ કરવાના રહેશે. શાળાએ કોઇપણ પ્રકારના ગુણ બોર્ડ કક્ષાએ ઓફલાઇન કે ટપાલ માધ્યમથી મોકલવાના નથી.

(5:43 pm IST)