ગુજરાત
News of Friday, 9th April 2021

અમદાવાદના કૃષ્‍ણનગર વિસ્‍તારમાં અંકુર ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ પાસે ફાયર સેફટીના તમામ સાધનો હોવા છતાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા અનેક સવાલો ઉભા થયા

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર ઈન્ટરનેશન સ્કૂલમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં સ્કૂલ પાસે ફાયર સેફ્ટીના તમામ સાધનો હોવા છતાં આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અનેક સવાલ ઉભા થયા છે.

આ અંગે વાત કરતા ફાયર ઓફિસરે જણાવ્યું કે, શાળાનું નવું જ કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે. તેમજ ફાયર સેફ્ટીના તમામ સાધનો લગાડવામાં આવ્યા છે. તમામ સ્કૂલોએ આગની ઘટનાઓથી બચવા માટે માત્ર ફાયર સેફ્ટીના સાધનો લગાવવા જરૂરી નથી. આવા સાધનોને વાપરતા પણ આવડવું જોઈએ. આગ લાગવાના કારણ અંગે ફાયર વિભાગે જણાવ્યું કે, સ્કૂલમાં કલર કામ ચાલી રહ્યું હતું. આથી કલર કે થીનરમાં કોઈ જ્વલનશીલ પદાર્થ પડવાના કારણે આગ પકડાઈ હોઈ શકે છે.

ફાયર વિભાગને આ ઘટનાની જાણ થઈ, ત્યાં સુધીમાં આગે વિકરાળ રૂપ ધારણ કરીને તમામ ફ્લોરને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. જેના પગલે ત્યાં કલરકામ કરી રહેલા કારીગરો પોતાનો જીવ બચાવવા માટે ધાબા પર ચડી ગયા હતા. હાલ ફાયર બ્રિગેડેની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને ત્યાં રહેલા કારીગરોને પણ બચાવી લીધા છે.

(5:39 pm IST)