ગુજરાત
News of Friday, 9th April 2021

કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા મહેસાણાના વેપારીઓ દ્વારા શનિ-રવિ સ્‍વયંભુ બંધ પાળવાનો નિર્ણયઃ ગુજરી બજાર પણ રવિવારે બંધ રહેશેઃ પાલિકાની બેઠકમાં નિર્ણય

મહેસાણા: જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વહીવટી તંત્ર તરફથી રાજ્યના અનેક શહેરોમાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે, ત્યારે મહેસાણા શહેરમાં વેપારીઓ દ્વારા શનિવાર અને રવિવારે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે શહેરના ટાઉન હોલ ખાતે વેપારીઓની બેઠક મળી હતી. જેમાં વિકેન્ડ દરમિયાન સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય વેપારી એસોસિએશનના સભ્યોએ ભેગા મળી સોમવારથી આગામી 31 એપ્રિલ સુધી શહેરના બજારો સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે. આમ સોમવાથી સાંજે 6 વાગ્યા પછી શહેરના બજારો બંધ રહેશે. જ્યારે મહેસાણા શહેરમાં ભરાતુ ગુજરી બજાર પણ રવિવારના રોજ બંધ રહેશે.

આ બેઠકમાં મહેસાણા પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ, વિવિધ વેપારી એસેસિએશન સહિત મંત્રીઓ ખાસ હાજર રહ્યાં હતા.

(5:28 pm IST)