ગુજરાત
News of Friday, 9th April 2021

સુરત: મુંબઈના ઉધોગકારોએ કોરોના મહામારીના કારણોસર ઓર્ડર પૂર્ણ કરાવવા સુરતથી કામ કરવાનું આયોજન કર્યું

સુરત:શહેરમાં હીરાના વેપાર માટે અત્યારે આંતરરાષ્ટ્રીય બજાર ખૂબ જ સારું છે અને ઘણાં મોટાં મોટાં ઉદ્યોગકારો પાસે નિકાસ સંબંધિત ઓર્ડરો મોટા પ્રમાણમાં છે. જે પરિસ્થિતિ હાલમાં મુંબઈમાં ઊભી થઇ છે, તેને કારણે નિકાસ કામકાજોને અસર થાય એમ હોવાથી સુરતથી કામકાજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્થાનિક હીરા ઉદ્યોગકારે વાતચીતમાં જણાવ્યું હતું.

મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સને બંધ કરવામાં આવ્યું હોવાની જાહેરાતને પગલે હીરા ઉદ્યોગકારોને નિકાસ ઓર્ડરોને પુરા કરવા માટેનું મોટું દબાણ આવ્યું હોઇ, મુંબઈમાં કામકાજ થઇ શકે તેવી શક્યતાઓ નથી. કારણકે કોઈને કોઈ વિઘ્નો કોરોના અને કરફ્યૂના અમલને કારણે ઉભાં થઇ રહ્યાં છે. સ્ટાફ પણ આવી સ્થિતિમાં અટવાઈ રહ્યો હોવાથી, પરિસ્થિતિ વધુ પેચીદી બનવા માંડી છે. આથી મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ કામકાજને સુરત શિફ્ટ કરી દીધું છે.

મુંબઈના એક મોટા હીરા ઉદ્યોગપતિએ રુ.125 કરોડનો એક્સપોર્ટનો ઓર્ડર પૂરો કરવા માટે મોટાભાગનો સ્ટાફ સુરત મોકલી આપ્યો છે. ખાલી ફ્લેટ અને અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપી છે. ઓર્ડરનો નિકાસ પણ તેઓ સુરતથી કરવા માટે તૈયારી કરી દીધી છે. અન્ય મોટા ઉદ્યોગકારો પણ આ દિશામાં આગળ વધ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

(5:10 pm IST)