ગુજરાત
News of Friday, 9th April 2021

સુરતમાં કોરોનાએ કરી ભયાવહ સ્થિતિ

સ્વજનની અંતિમક્રિયા માટે ૧૯ કલાકથી રાહ જોઇ રહ્યાં છે હજી વારો નથી આવ્યો

સુરતનાં તમામ સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી કતારો જોવા મળી રહી છે

સુરત, તા.૯ ગુજરાતમાં  મહાનગરપાલિકાની ચૂંટણી બાદ કોરોનાની સ્થિતિ એકદમ વિસ્ફોટક બની ગઇ છે. હાલ રાજયમાં સૌથી ચિંતાજનક સ્થિતિ સુરતની સામે આવી રહી છે. અહીં ન માત્ર કોરોનાની સારવાર માટે હોસ્પિટલો પરંતુ મૃતકોની અંતિમક્રિયા માટેની પણ કલાકોની લાઇનો લાગી છે. ત્યારે સામાન્ય માણસ ખરાબ રીતે કોરોનાની ઝપેટમાં સપડાયો છે. તે છતાં પણ અનેક જગ્યાએ ગંભીર બેદરકારીના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. ગઇકાલથી સુરતનાં તમામ સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી કતારો જોવા મળી રહી છે. તે જોતા મૃતકોના સ્વજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ન્યૂઝ૧૮ગુજરાતીના સુરત શહેરના સંવાદદાતા જયારે આ મૃતકોના સ્વજનોને પડતી હાલાકી સાંભળી રહ્યા હતા ત્યારે એક વ્યકિતએ પોતાની આપવીતી જણાવી હતી. સ્વજનના એક સગાના જણાવ્યા પ્રમાણે, ગઇકાલે એટલે ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાના અહીં ઉભા છીએ પરંતુ બીજા દિવસે સવારે અગિયાર વાગ્યા સુધી અમારા સ્વજનની અંતિમક્રિયા કરવામાં વારો નથી આવ્યો. હજી કોઇ સમાચાર પણ નથી કે, હજી કયારે અંતિમક્રિયા કયારે થશે. અહીં હું એકલો નહીં મારા જેવા અનેક લોકો છે.

સુરતના અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાન ગૃહના દ્રશ્યો દ્યણાં જ દુખી કરનારા છે. અહીં થોડા દિવસ પહેલાં મૃતદેહ લઈને જતી શબવાહિનીઓની લાઈનો જોવા મળતી હતી. જોકે, બે દિવસથી તો મૃત્યુની સંખ્યા એટલી વધી રહી છે કે, શબવાહિનીઓ ખૂટી રહી છે. મૃતદેહ સ્મશાનગૃહમાં છોડીને શબવાહિનીઓ બીજો મૃતદેહ લેવા જઇ રહી છે. જેના કારણે સ્મશાનગૃહોની બહાર મૃતદેહની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.

મહત્ત્વનું છે કે, ગુરૂવારે સુરતના ઉમરા ગામ ખાતે આવેલ સ્મશાન ખાતે મૃતદેહના ઢગ થઇ ગયા છે અને શહેરના લોકોને ચેતવવા માટે એક વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો આ વીડિયોમાં લાશોના ઢગ લોકોને આશ્યર્યમાં મૂકી દીધા હતા. કોરોના લઈને સુરતની સુરત દિવસેને દિવસે બગાડી રહી છે બે દિવસ પહેલા સુરતના અશ્વની કુમાર ખાતે મૃતદેહના અંતિમ ક્રિયા માટે વેટીંગમાં મુકવામાં આવ્યા હતા તેનો વીડિયો વાયરલ થયા બાદ વધુ એક વીડિયો વાયરલ થયો હતો.

સુરતના ઉમરા ગામ ખાતે આવેલા રામનાથ ઘેલા સ્મશાન ખાતે એક બે નહિ પણ ૪૦ જેટલી લાશ પોતાની અંતિમ ક્રિયા માટે રાહ જોઈ રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

(4:07 pm IST)