ગુજરાત
News of Friday, 9th April 2021

સુરતની યુવતી સાથે ગાંધીધામ ક્ચ્છના યુવકે લગ્ન કર્યા છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરી લીધા : ફરિયાદ

યુવતીના પરિવારને ધમકીઓ, શારીરિક, માનસિક ત્રાસ આપી યુવતીને કાઢી મૂકી

અમદાવાદ : સુરતની યુવતી સાથે ગાંધીધામ ક્ચ્છના યુવકે લગ્ન કર્યા અને બાદમાં તેની સાથે દગો કર્યો હોવાનું બહાર આવ્યું છે. સુરતની યુવતી સાથે હજુ છુટાછેડા થયા નથી ત્યારે રાજસ્થાનમાં ધામધૂમથી બીજા લગ્ન કર્યા અને સંતાન પણ થઈ ગયું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ શહેર પોલીસ કમિશનરને કરતા તપાસ હાથ ધરાઈ છે. જોકે સુરતની યુવતીને શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી તેને અમાનવીય ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ કરી છે. જોકે પ્રસ્તુત તસ્વીરમાં બીજા લગ્ન કર્યા હોવાનું દેખાય છે. પુરાવા સાથે ફરિયાદ કરતા ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરાઈ છે.

સુરતના પીપલોદ બાલાજીનગર ખાતે રહેતા મહેશ પ્રસાદ રામરાજ શુકલ તેમના પરિવાર સાથે રહે છે. તેમને તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી કે, તેમની દિકરી ડિમ્પલના લગ્ન 19 ફેબ્રુઆરી 2014માં ઉત્તરપ્રદેશ ખાતે રાહુલ અનિલ મિશ્રા સાથે સમાજના રિતરિવાજ મુજબ કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન દીકરી ત્રિશા(ઉં.6) જન્મ લીધો હતો. લગ્ન બાદ રાહુલ તેનાં પિતા અનિલ હરિશંકર મિશ્રા(રહે. બાગેશ્રી ટાઉનશીપ, ગાંધીધામ કચ્છ) તેમની પત્ની શૈલ મિશ્રા અને શેસાદરિ ઉર્ફે ગુડા અનિલ મિશ્રાના(રહે.અષ્ટકૃપા એવન્યુ, નવરંગપુરા) કહ્યા પ્રમાણે ચાલતા હતા અને વારંવાર દહેજ માંગણી કરવી, ઘરકામ કરાવતા અને ડિમ્પલ કંઈ કહે તો બધા ભેગા મળી ઝગડો કરતા હતા.

વારંવાર થતા ઝગડામાં દિકરીનું અપમાન કરી સળગાવી દેવાની ધમકી આપી ગાળો બોલી માર મારતા હતા. આમ રોજ બરોજ શારિરિક માનસિક ત્રાસ વેતનાઓ આપતા પણ ઘર સંસાર ન બગડે તે માટે તેઓ ડિમ્પલ બધું સહન કરતી હતી. આમ આખરે કંટાળી પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદો પાછી ખેંચી લેવા માટે તેઓ અલગ અલગ વ્યક્તિઓ પાસે ધમકી અપાવતા હતા. શેસાદરિ ઉર્ફે ગુડા ડિમ્પલને પરેશાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. અમદાવાદ આવશો તો જીવતા ન જવાદેવાની ધમકીઓ પણ આપી હતી.

ગત 2015થી ત્રાસ આપી ડિમ્પલને કાઢી મૂકી હતી. જેથી આરોપીઓ વિરુદ્ધમાં કોર્ટમાં ફરિયાદ કરતા તેમને કોર્ટ મુદતે હાજર ન રહેવું પડે અને પોલીસ વોરન્ટ બજાવી ન શકે તે હેતુથી આરોપીએ મકાન પણ બદલી નાખ્યા હોવાના આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યા છે. જોકે ડિમ્પલના સસરા અનિલ મિશ્રા માથાભારે હોવાનું જણાવ્યું હતું અને ભૂતકાળમાં તેમના વિરુદ્ધ ગુના નોંધાયા હોવાથી તેઓ જેલમાં પણ ગયા હતા. આ અંગે શહેર પોલીસ કમિશનરની અરજી શાખાએ અરજી લઈ તપાસ હાથ ધરી છે.

ડિમ્પલ સાથે રાહુલે છૂટાછેડા લીધા ન હોવા છતાં રાજસ્થાન ઉદયપુર ખાતે જઈ હોટેલ મુકુંદ વીલામાં રાશિ નામની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. મહત્વની વાત એ છે કે કોર્ટ કેસ ચાલે છે છતાં રાશિ સાથે લગ્ન જીવનમાં એક દીકરા રુદ્રાન્સને જન્મ આપ્યો છે અને બધા સાથે રહેતા હોવાના આક્ષેપ પણ કર્યા છે

 

(9:48 pm IST)