ગુજરાત
News of Thursday, 9th April 2020

ગુજરાતમાં કોરોનાના વધુ ૭૬ કેસો : સંખ્યા વધીને ૨૬૨ થઇ

એકલા અમદાવાદમાં ૫૮, વડોદરામાં ૪, પાટણમાં ૭ કેસ ખુલ્યા : અચાનક કેસની સંખ્યામાં ઝડપથી વિસ્ફોટ સર્જાતા તંત્રની ઉંઘ હરામ : ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ તીવ્ર કરવામાં આવી : લોકડાઉનના નિયમોને વધુ કઠોર બનાવાયા

અમદાવાદ,તા. ૯ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં એક દિવસમાં હજુ સુધીનો સૌથી વધુ વધારો નોંધાઈ ગયો છે. અમદાવાદમાં ૫૮ કેસોની સાથે સાથે રાજ્યમાં કોરોનાના એક દિવસમાં ૭૬ કેસો સપાટી ઉપર આવતા સમગ્ર તંત્ર હચમચી ઉઠ્યું છે. ૭૬ કેસોની સાથે સાથે ૧નું મોત પણ થયું છે. અમદાવાદમાં એક જ દિવસમાં ૫૮ કેસ નોંધાઈ ગયા છે. બીજી બાજુ રાજ્યમાં મોતનો આંકડો વધીને ૧૭ ઉપર પહોંચ્યો છે જ્યારે ગુજરાતમાં કુલ કેસોની વાત કરવામાં આવે તો ૭૬ નવા કેસો સાથે સંખ્યા વધીને ૨૬૨ સુધી પહોંચી છે. રાજ્યના ૧૮ જિલ્લાઓ કોરોનાના સકંજામાં આવી ગયા છે. હજુ સુધી ૨૬ દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. ૧૮ જિલ્લામાં પોઝિટિવ કેસો નોંધાયા છે. હજુ સુધી સૌથી વધુ છ મોત અમદાવાદમાં નોંધાયા છે. સૌથી વધુ દર્દીઓની નોંધણી પણ અમદાવાદમાં થઇ છે. રાજ્યમા હવે કોરોનાનો કાળો કરે ખતરનાક અને સાચા અર્થમાં ચિંતાજનક બની રહ્યો છે. કારણ કે, જે પ્રમાણે અને ઝડપે  સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં રાજયમાં કોરોનાનો કહેર ભયંકર અને ભયાવહ બની શકે છે. રાજયભરમાં આજે નવા ૫૮ જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

            સતત વધી રહેલા કેસો અંગે આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે નવા ૫૮ કેસો નોંધાયા છે અને એકસાથે આટલા બધા પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે છે. ટેસ્ટિંગ વધારી દેવાથી આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે અને આગામી કેટલાક દિવસોમાં પણ વધારે કેસો બહાર આવી શકે છે. રાજયમાં નવા ૭૬ કેસો સાથે કુલ ૨૬૨ કેસ નોંધાય છે, તો કુલ મૃત્યુઆંક ૧૭નો થયો છે. રાજયમાં કોરોનાનો કહેર એટલા માટે ચિંતાજનક છે કારણ કે, તેમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ ૨૬૨ પોઝિટિવ કેસ છે. જેમાંથી ૩૩ વિદેશી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. રાજ્યમાં કુલ ૧૨૩૫૨ લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૦૧૫ હોમ ક્વૉરન્ટીન, ૧૧૭૦ સરકારી અને ૧૬૭ ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ ૨૬૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાવાર આંકડા જોઇએ તો અમદાવાદમાં ૧૪૨ પોઝિટિવ કેસ અને ૬ના મોત થયા છે.

           અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી પ્રભાવિત વિસ્તાર અમદાવાદ છે. આ ઉપરાંત સુરતમાં પણ કેસોની સંખ્યામાં ઝડપી વધારો થતાં સંખ્યા વધીને ૨૪ ઉપર પહોંચી છે. ગુજરાતની કંપનીઓ કેડિલા હેલ્થકેર, મંગલમ ડ્રગ્સ અને વાઇટલ લેબોરેટરી એક મહિનામાં ૨૫ ટન દવાઓનો જથ્થો બનાવવા માટે તૈયાર છે. ડ્રોનમાં સ્પીકર લગાવીને લોકોને સંદેશો આપવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોરોના-૧૯ની કામગીરી સંભળતા રાજ્ય સરકારના કોઇપણ કર્મચારીનું કોરોના ચેપના લીધે મૃત્યુ થશે તો કર્મચારીના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાયતા કરવામાં આવશે. કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતમાં હજુ સુધી ૪૦ લાખ કરતા વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાનનિધિ યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં જંગી રકમ જમા કરવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, વડોદરા અને સુરતના કેટલાક ક્ષેત્રોમાં કોરોનાના કેસો વધતાં ગુજરાત સરકારે આજે નિર્ણય લીધો હતો કે, આ ચાર શહેરોના ૧૫ ક્ષેત્રોમાં કોરોનાને રોકવા માટે સામૂહિક અટકાયત રણનીતિ હેઠળ ખાસ કાર્યયોજના બનાવીને ઉપાય કરવામાં આવી રહ્યા છે. આ કાર્યયોજના હેઠળ આ ક્ષેત્રોમાં પૂર્ણરીતે લોકડાઉન કરવામાં આવી શકે છે. ૧૪ ક્ષેત્રોમાં અમદાવાદના આઠ, સુરતના ત્રણ, ક્ષેત્ર છે.

૨૪ કલાકમાં કેસો......

અમદાવાદમાં ચિંતાજનક વધારો

અમદાવાદ, તા.૯ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૬ પોઝિટિવ કેસો નોંધાઈ ગયા છે. આની સાથે જ એકનું મોત પણ થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલા કેસો નોંધાયા તે નીચે મુજબ છે.

વિસ્તાર............................................................ કેસ

અમદાવાદ....................................................... ૫૮

સુરત............................................................... ૦૨

દાહોદ.............................................................. ૦૧

આણંદ............................................................. ૦૧

છોટાઉદેપુર...................................................... ૦૧

પાટણ.............................................................. ૦૭

રાજકોટ............................................................ ૦૨

વડોદરા........................................................... ૦૪

કુલ ................................................................ ૭૬

ગુજરાતમાં કોરોના કેસો

ગુજરાતમાં કોરોના કેસો વધ્યા

અમદાવાદ, તા.૯ : અમદાવાદમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. સાથે સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને ૨૬૨ થઇ છે. ગુજરાતમાં કોરોનાના ક્યા કેટલા કેસ છે તે નીચે મુજબ છે.

શહેર................................................................ કેસ

અમદાવાદ..................................................... ૧૪૨

વડોદરા........................................................... ૨૨

સુરત............................................................... ૨૪

રાજકોટ............................................................ ૧૩

ગાંધીનગર....................................................... ૧૩

કચ્છ................................................................ ૦૨

ભાવનગર........................................................ ૧૮

મહેસાણા.......................................................... ૦૨

ગીરસોમનાથ................................................... ૦૨

પોરબંદરમાં .................................................... ૦૩

પંચમહાલ........................................................ ૦૧

પાટણ.............................................................. ૧૨

છોટાઉદેપુર...................................................... ૦૨

મોરબી............................................................. ૦૧

જામનગર........................................................ ૦૧

હિંમતનગર...................................................... ૦૧

આણંદ............................................................. ૦૨

સાબરકાંઠા........................................................ ૦૧

દાહોદ.............................................................. ૦૧

ગુજરાતમાં કુલ કેસ........................................ ૨૬૨

(9:34 pm IST)