ગુજરાત
News of Thursday, 9th April 2020

રાજપીપળા શહેરી વિસ્તારની દિન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના અંતર્ગત માસ્ક બનાવતી સખી મંડળની બહેનો

નર્મદા જિલ્લાની સખી મંડળની ૩૦ જેટલી બહેનો માસ્ક બનાવામાં વ્યસ્ત :છેલ્લા ૧૫ દિવસથી પોતાના ઘરે જ માસ્ક બનાવવાની કામગીરી ;એક દિવસમાં અંદાજે ૧૮૦૦ જેટલાં માસ્ક બનાવવામાં આવે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના લીધે સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન કરાયું છે.ત્યારે રાજપીપળા શહેરી વિસ્તારની દિન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના અંતર્ગત રાજપીપળાના વાસુ હેરીટેજ કોમ્પલેક્ષમાં જ્ય માતાજી,શ્યામ અને જ્ય અંબે સખી મંડળની ૩૦ જેટલી બહેનો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી પોતાના ઘરે જ માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરી છે. એક દિવસમાં અંદાજે ૧૮૦૦ જેટલાં માસ્ક બનાવવામાં આવે છે.એક માસ્કની કિંમત રૂ.૧૦ છે. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને ૨૨૦૦, નાંદોદ તાલુકાના કલી મકવાણા ગ્રામપંચાયતને ૧૭૦૦, રાજપીપળા નગરપાલિકાને ૨૦૦,પોલીસ વિભાગ, આયુર્વેદ કચેરી સહિત અન્ય છુટક માસ્કના વેચાણ સહિત અંદાજે ૭ હજાર જેટલાં માસ્કનું વેચાણ કરવામાં આવ્યું છે.
         રાજપીપળાની જય માતાજી સખી મંડળના પ્રમુખ સરોજબેન તડવીએ જણાવ્યું હતું કે,લોકડાઉનના કારણે અમારી પાસે કોઇ કામ ન હતું તેવા સમયે અમને જિલ્લા પંચાયત વિભાગમાંથી ફોન આવ્યો કે ,તમારે માસ્ક બનાવવાનું કામ કરવું હોય તો અમે આપને માર્ગદર્શન આપીએ અને તમને રોજગારી મળી રહેશે અને લોકોને મદદરૂપ પણ થઇ શકશો અને આપની પાસેથી માસ્ક અમે લઇશું. અમે માસ્ક બનાવવાની કામગીરીથી અત્યંત ખુશ છીએ.
          રાજપીપળા નગરપાલિકાના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનના મેનેજર નિશાબેન પરમારે જણાવ્યું હતું કે, વૌશ્વિક નોવેલના મહામારીને લીધે હાલ લોકડાઉનનો અમલ જાહેર કરાયો છે, ત્યારે દિન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના અંતર્ગત ૩૦ જેટલી બહેનો પોતાના ઘેર જ બેસીને માસ્ક બનાવવાની કામગીરી કરતાં હોવાથી ઘરના અન્ય કામની સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથોસાથ માસ્ક પણ આ બહેનો બનાવી રહી છે અને રોજગારી પણ મેળવી રહી છે. એક બહેન એક દિવસમાં ૬૦ જેટલાં માસ્ક તૈયાર કરે છે.

(6:53 pm IST)