ગુજરાત
News of Thursday, 9th April 2020

આણંદના ગામડીવડ વિસ્તારમાં જુના રામજી મંદિર નજીક કોમ્પ્લેક્ષમાં ટોળું વાળી બેઠેલા ભાજપના કાઉન્સિલર સહીત 8 સભ્યોને પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

આણંદ:શહેરના ગામડીવડ વિસ્તારમાં આવેલ જૂના રામજી મંદિર નજીકના એક કોમ્પલેક્ષમાં ટોળું વળીને બેઠેલ આણંદ નગરપાલિકાના ભાજપના કાઉન્સીલર સહિત કુલ આઠ શખ્શોને આણંદ શહેર પોલીસે ઝડપી પાડી તેઓ વિરૃધ્ધ જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસને રોકવા માટે ૧૪૪ની કલમ અમલી બનાવાઈ છે. જો કે જિલ્લામાં ૧૪૪ની કલમ અમલમાં હોવા છતાં કેટલાક લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજ્યા વિના શેરી, પોળો, મહોલ્લાના નાકે ટોળે વળીને બેસતા હોય છે. આણંદ જિલ્લામાં લોકડાઉનના પાલન અંગે આણંદ શહેર પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ શહેર પોલીસની ટીમ ગામડીવડ વિસ્તારના જુના રામજી મંદિર નજીક આવી પહોંચતા મંદિર નજીકના શ્રી રામ કોમ્પલેક્ષના બીજા માળે કેટલાક શખ્શો એકત્ર થઈ ગપ્પાબાજી લડાવી રહ્યા હોવાનું પોલીસને માલુમ પડયું હતું. જેથી પોલીસે શ્રીરામ કોમ્પલેક્ષના બીજા માળે ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં આઠ જેટલા શખ્શો ઝડપાઈ જવા પામ્યા હતા. ઝડપાયેલ શખ્શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે હાર્દિક યશવંતભાઈ પટેલ, હિરેન મહેન્દ્રભાઈ સોની, પ્રજ્ઞોશ મહેન્દ્રભાઈ પટેલ, નલીન શનાભાઈ પટેલ, હિમાંશુ દિલીપભાઈ પટેલ, ધુ્રવ દિલીપભાઈ પટેલ (તમામ રહે. વહેરાઈ માતા મંદિર, આણંદ), જીગ્નેશભાઈ અરવિંદભાઈ પટેલ (રહે. અભ્યોદય પાર્ક, આણંદ), જીગ્નેશભાઈ ધીરૃભાઈ પટેલ (રહે.શાસ્ત્રીમેદાન પાસે, આણંદ) હોવાનું ખુલવા પામ્યું હતું. જો કે ઝડપાયેલ શખ્શોમાં એક શખ્શ ભાજપનો આણંદ પાલિકાનો કાઉન્સીલર હોવાનું પણ ઉજાગર થવા પામ્યું છે.

(5:36 pm IST)