ગુજરાત
News of Thursday, 9th April 2020

લોકડાઉનમાં જપ્ત કરેલા વાહનોનો દંડ આર.ટી.ઓ.ના બદલે પોલીસ વસુલી શકશે

પોલીસને કામચલાઉ ધોરણે સત્તાઃ આર.ટી.ઓ. પર સંભવિત ધસારો નિવારી શકાશે : વાહન માલિકોને આર.ટી.ઓ.એ ધકકો નહિ થાય, પોલીસ પાસેથી કામ પતી જશે

રાજકોટ, તા. ૯ :. રાજ્યમાં લોકડાઉનના સમયગાળામાં કહેવાતા જરૂરી કામથી અથવા કામ વગર બહાર નિકળેલા લોકોના સ્કૂટર, મોટર સહિતના નાના-મોટા વાહનો પોલીસે જપ્ત કરેલ. તે વાહનોનો દંડ વસુલવાની સત્તા સરકારે કામચલાઉ ધોરણે આરટીઓના બદલે પોલીસને આપી છે. આ અંગે આજે વાહન વ્યવહાર વિભાગના નાયબ સચિવ પ્રકાશ મજબુદારની સહીથી જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. સરકારનો આ નિર્ણય હજારો લોકો માટે રાહતરૂપ બનશે.

પોલીસે લોકડાઉનના નિયમના ભંગ બદલ જપ્ત કરેલ વાહન છોડાવવા માટે પહેલા આરટીઓમાં દંડ ભરવાની જોગવાઈ છે. આરટીઓની પહોંચના આધારે પોલીસ વાહન છોડી શકે. હાલ લોકડાઉનને કારણે તમામ આરટીઓ બંધ છે. લોકોને વાહન જપ્ત થઈ જવાથી ઘણી મુશ્કેલી પડે તે સ્વભાવિક છે. જ્યારે લોકડાઉન ખુલે ત્યારે દંડ ભરવા માટે લાઈનો લાગે તેવા સંજોગો હતા. આરટીઓ પરનો સંભવિત ધસારો ટાળવા તેમજ લોકોની હેરાનગતિ ઓછી કરવા સરકારે જે વાહન જપ્તીનો દંડ આરટીઓને વસુલવાની સત્તા છે તે સત્તા લોકડાઉનના સમય પુરતી પોલીસને આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લોકડાઉનના પ્રારંભે મોટાભાગે પોલીસ માંડવાળ દંડ વસુલી એટલે કે સ્થળ પર દંડ લઈ વાહન ચાલકોને જવા દેતા હતા. તા. ૧ એપ્રિલથી પોલીસે વાહન જપ્તી પર ભાર મુકયો છે. રાજકોટ શહેરમાં એપ્રિલના પ્રથમ અઠવાડીયામાં ૨૦૦૦થી વધુ વાહન લોકડાઉનના નિયમ ભંગ બદલ જપ્ત કરવામાં આવ્યા છે. લોકો હવે પોલીસ સમક્ષ દંડ ભરી પોતાના વાહન છોડાવી શકશે. અસરગ્રસ્ત લોકોને આરટીઓ સુધી ધક્કો નહિ ખાવો પડે અને સમયસર પોતાનુ વાહન પાછુ મળી શકશે. પોલીસને પણ વાહનો સાચવવાની જવાબદારી હળવી થશે.

(3:26 pm IST)