ગુજરાત
News of Thursday, 9th April 2020

ધો. ૧૦-૧૨નું પરિણામ જૂન પહેલા નહિઃ ૧૮ લાખ છાત્રોનું ભાવિ અધ્ધરતાલ

ગયા વર્ષે ૧૦ મે એ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલઃ કોરાનાના કારણે વિલંબની નવા શૈક્ષણિક સત્ર પર પણ અસર :૪૦ હજારથી વધુ શિક્ષકો મૂલ્યાંકન સાથે સંકળાયેલા છે, હાલ ઉત્તરપોથી ચકાસવાનું કામ અનિશ્ચિત મુદત સુધી સ્થગિતઃ ૩૦ એપ્રિલ સુધી પરિસ્થિતિ થાળે પડે તેવા સંજોગો નથીઃ મૂલ્યાંકન ફરી શરૂ થયા પછી પરિણામ જાહેર કરવામાં સામાન્ય સંજોગોમાં દોઢ મહિનાનો સમય જરૂરીઃ ધો. ૧૦નું પરિણામ જાહેર થતા જુલાઈ દેખાઈ જાય તો નવાઈ નહિઃ પરિસ્થિતિ 'જો અને તો' આધારિત

રાજકોટ, તા. ૯ :. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચના પહેલા અને બીજા અઠવાડીયામાં લેવાયેલ ધો. ૧૦ - ૧૨ની પરીક્ષાનું પરિણામ જૂન પહેલા આવે તેવા સંજોગો દેખાતા નથી. ગયા વર્ષ કરતા આ વર્ષે પરીક્ષા થોડા દિવસ વહેલી લેવાયેલ હોવા છતા કોરોનાના કારણે પરિસ્થિતિ બગડતા પરિણામમાં ગયા વર્ષની સરખામણીએ વધુ દિવસો મોડુ થાય તેવા અત્યારના સંજોગો છે. હાલ ઉત્તરપોથી ચકાસણીની પ્રક્રિયા અનિશ્ચિત મુદ્દત સુધી સ્થગિત છે. આવતા દિવસોમાં રોગચાળાની પરિસ્થિતિ કેવો વળાંક લ્યે તે નક્કી નથી. ૧૮ લાખ જેટલા પરીક્ષાર્થીઓનુ ભાવિ હાલ અધ્ધરતાલ થઈ ગયુ છે.

ધો. ૧૦માં ૧૨ લાખ જેટલા, ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫ લાખ જેટલા અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું મૂલ્યાંકન શરૂ થઈ ગયેલ. ઘણી કામગીરી પુરી થયેલ ત્યાં અચાનક લોકડાઉન આવી જતા મૂલ્યાંકન પ્રક્રિયા અટકી પડી છે. ૪૦ હજારથી વધુ શિક્ષકો મૂલ્યાંકન પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. હાલ ૧૪ એપ્રિલ સુધીનુ લોકડાઉન છે. અત્યારના સંજોગો જોતા ૧૪ એપ્રિલ પછી તુરંત પરિસ્થિતિ સામાન્ય થઈ જાય તેવુ જણાતુ નથી. શિક્ષણ ક્ષેત્રના વર્તુળોનું કહેવુ છે કે બોર્ડની પરીક્ષા પછી સામાન્ય સંજોગોમાં મૂલ્યાંકન અને પરિણામ જાહેર કરવા સુધીની પ્રક્રિયામાં દોઢ મહિના જેટલો સમય જરૂરી હોય છે. આ વખતે અસાધારણ સંજોગો છે. એપ્રિલ અંત અથવા મે ના પ્રારંભે મૂલ્યાંકન શરૂ થઈ શકે તો પણ પરિણામ જૂન પહેલા શકય જણાતુ નથી. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શકય તેટલુ વહેલુ આપવાનો બોર્ડનો ઈરાદો છે. ગયા વર્ષે ૧૦ મેના દિવસે ધો. ૧૨ વિજ્ઞાનનું પરિણામ જાહેર થયેલ. આ વખતે તે સમય સાચવવો અશકય છે. ધો. ૧૦નું પરિણામ સૌથી છેલ્લે જાહેર થતુ હોય છે. આ વખતે તે પરિણામ જાહેર થતા જુલાઈ દેખાય જાય તો નવાઈ નહિ. કોરોનાની ભાવિ પરિસ્થિતિ વિશે અનિશ્ચિતતા હોવાથી સરકાર પણ મૂલ્યાંકન શરૂ કરવા બાબતે કોઈ નિર્ણય કરી શકે તેવી સ્થિતિમાં નથી. બોર્ડના પરિણામો મોડા થવાથી તેની સીધી અસર આગળના ધોરણની પ્રવેશ પ્રક્રિયા પર પડશે. નવા શૈક્ષણિક સત્ર પર પણ હાલની પરિસ્થિતિની અસર દેખાશે. સરકારે ૨૦ એપ્રિલથી નવુ સત્ર શરૂ કરવા ધારેલ તે હવે જૂનથી શરૂ કરવાનું જાહેર કરી દીધુ છે. જૂનમાં શું પરિસ્થિતિ હશે ? તે અત્યારે માત્ર અનુમાનનો વિષય છે. સમગ્ર શિક્ષણ ક્ષેત્ર પર કોરોનાની ઘેરી અસર દેખાય છે. બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન અને પરિણામ બાબતે હાલ તો 'જો અને તો'ની પરિસ્થિતિ છે. પરિણામમાં મોડુ નિશ્ચિત થઈ ગયુ છે. કેટલુ મોડુ થાય ? તે અત્યારે કહેવુ અનિશ્ચિત છે.

(1:18 pm IST)