ગુજરાત
News of Thursday, 9th April 2020

ટ્રેનમાં જ હોસ્પિટલ : ૧૫ ડબ્બા બન્યા આઇસોલેશન વોર્ડ

રાજકોટઃવડોદરામાં રેલવે તંત્રે રેલગાડીના ૧૫ ડબ્બાને કોરોના શંકાસ્પદ અને અસરગ્રસ્તોને અલાયદા રાખીને સારવાર આપી શકાય એવા અનોખા,અને એક પ્રકારે આઇસોલેશન વોર્ડ ઓન વ્હીલ નું નિર્માણ કર્યું છે.તેની સાથે નવી બનેલી બુલેટ ટ્રેન હોસ્ટેલમાં કોરોના સારવાર સુવિધા અને રેલવે ની વડોદરા હોસ્પિટલમાં તજજ્ઞ સારવારની સુવિધા ઉભી કરી આરોગ્ય તંત્રને ઉમદા સહયોગ આપ્યો છે.વડોદરા ખાતે હાલ કોરોના સંકટને અનુલક્ષીને ખાસ ફરજ પરના અધિકારી તરીકે સતત કાર્યરત શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. રેલવે ટ્રેનની ૧૫ બોગીને દવાખાના જેવી સુવિધામાં ફેરવી છે અને તે પ્રત્યેક બોગીમાં ૮ દર્દીની સાથે ૧ તબીબ અને ૧ આરોગ્ય કર્મી રહી શકશે.મેકેનીકલ વિભાગે આવા ૩૮ ડબ્બા તૈયાર કરવાની રૂપરેખા બનાવી છે.આ તમામ પૂર્વ તૈયારીઓ જરૂરિયાતના સમયે ખૂબ જ ઉપયોગી બનશે.આ વિશેષ રેલવે અત્યારે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ૬ ખાતે રાખવામાં આવી છે.જરૂર પડ્યે તેમાં રાખવામાં આવેલા દર્દીનું સરળ પરિવહન થઈ શકે,દર્દી વાહિની આ કોચ સુધી પહોંચી શકે એની અનુકૂળતા પ્રમાણે તેને રાખવામાં આવશે. આ મુલાકાત અને નિરીક્ષણ સમયે મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીનભાઇ ઉપાધ્યાય અને રેલવે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:29 am IST)