ગુજરાત
News of Tuesday, 9th April 2019

મહુધાના અલીણા નજીક પરણાવેલ પુત્રીને સાસરે મોકલવા બાબતે વેવાઈ સામસામે બાખડ્યા: જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

મહુધા: તાલુકાના અલીણા નજીક આવેલ મીયાપુર ગામમાં પરણાવેલી પુત્રીને તેડવા આવેલ માવતરને સાસુએ તેડી જવાની ના પાડતાં ઉશ્કેરાયેલા વેવાઈએ વેવાણને તેમજ વચ્ચે પડનાર જમાઈને પણ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે મહુધા પોલીસે ગુનોદાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના અલીણા તાબે આવેલ મીયાપુર ગામમાં રહેતાં અર્જુનભાઈ ચતુરભાઈ ચુનારાના નાના પુત્ર સંજયભાઈના લગ્ન હેરંજ ગામમાં રહેતાં લાલાભાઈ મફાભાઈ ચુનારાની પુત્રી હિરલ સાથે એકાદ વર્ષ અગાઉ થયાં હતાં. ગતરોજ બપોરના બે વાગ્યાના અરસામાં સંજયભાઈના સસરા લાલાભાઈ મફતભાઈ ચુનારા અને સાસુ જીલાબેન લાલાભાઈ ચુનારા તેમની પુત્રીને ઘરે લઈ જવા માટે આવ્યાં હતાં. જો કે તે સમયે સંજયભાઈ અને તેમના પિતા મજુરી કરવા ગયાં હોવાથી ઘરમાં સંજયભાઈની પત્નિ અને માતા કાન્તાબેન અર્જુનભાઈ ચુનારા હાજર હતાં. જેથી કાન્તાબેને તેમના ઘરે આવેલા વેવાઈને જણાવ્યું હતું કે તમારા વેવાઈ અને જમાઈ અત્યારે ઘરે નથી. તેઓ ઘરે પરત આવે પછી તમે તમારી દિકરીને ઘરે લઈ જજો. આવો જવાબ સાંભળી ઉશ્કેરાઈ ગયેલા લાલાભાઈ અને જીલાબેને અપશબ્દો બોલી અત્યારે જ દીકરીને ઘરે લઈ જવાની હઠ પકડી હતી. જો કે કાન્તાબેને ના પાડી દેતાં ઉશ્કેરાઈ જઈ લાલાભાઈએ લાકડી વડે કાન્તાબેન પર હુમલો કર્યો હતો. તેમજ જીલાબેને ગડદાપાટુનો માર મારતાં કાન્તાબેન ઈજાગ્રસ્ત બન્યાં હતાં. અને તેઓ બંને તેમની દીકરી હિરલને લઈ જતાં હતાં. તે સમયે સંજય ઘરે આવી ગયો હતો. જો કે તેઓ બંનેએ ભેગા મળી સંજયને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

(5:32 pm IST)