ગુજરાત
News of Tuesday, 9th March 2021

અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો વીડિયો વાયરલ

રે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરાતું હોવાનું જોઈને પોલીસકર્મી સામે બોલાચાલી કરી : ધારાસભ્યએ ધમકી આપતા કહ્યું કે હું કહું એટલે ઉભું રહેવાનું, નહિતર સસ્પેન્ડ થઈ જશો 2 મિનિટમાં, ઓળખો છો મને?

અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આસપાસ ઉભેલા લોકોને પણ કહ્યું ધુઓને સાલાઓને હું બેઠો છું.

શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા ટોઈંગ ક્રેન દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાનમાં રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલ વાહન ટોઈંગ કરવામાં આવ્યું ત્યારે તે સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. તેઓ આ જોઈને ઊભા રહ્યા હતા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવ્યા હતા. ત્યાર બાદ પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો.

ધારાસભ્યએ ASI ઉદેસિંહ પટેલનો હાથ ખેંચીને કહ્યું કે ઊભા રહો અહીં, ત્યારે ASIએ કહ્યું કે હાથ ના પકડો તો ધારાસભ્યએ કહ્યું કે હાથ શું બધું પકડીશ.તે બાદ ધારાસભ્યએ પોતાની સાથે આવેલ વ્યક્તિને ASIનો ફોટો પાડવા જણાવ્યું હતું. બાદમાં ભાજપના ધારાસભ્યએ ધમકી આપતા કહ્યું કે હું કહું એટલે ઉભું રહેવાનું, નહિતર સસ્પેન્ડ થઈ જશો 2 મિનિટમાં, ઓળખો છો મને?

ત્યાર બાદ ટોળુ એકઠું થઈ જતાં ધારાસભ્યએ ધમકી આપવાનું ચાલુ જ રાખ્યું અને કહ્યું કે આ શીખવાડ્યું છે તમને લોકોને, મારી જોડે ઊભા રહો નહિં તો યાદ કરશો ક્યાં જતાં રહેશો ખબર પણ નહિં પડે. આટલું કહીને ધારાસભ્યએ ટ્રાફિક DCP તેજસ પટેલને ફોન લગાવ્યો અને કહ્યું કે ઉદેસિંહ નામના જમાદાર છે, 3693 બકલ નંબર છે. તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઈને આવે છે અને વાહન ટોઈંગ કરે છે. જે કહીને DCP સાથે ASIને વાત કરાવી હતી. આ દરમિયાન ધારાસભ્યએ આસપાસ ઉભેલા લોકોને કહ્યું કે ધોવોને સાલાઓને હું બેઠો છું. આ પ્રકારે જાહેરમાં દાદાગીરી કરીને ધારાસભ્યએ ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી. માત્ર એટલું જ નહીં, પોલીસકર્મીને બદલી તથા સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી.

(12:47 am IST)