ગુજરાત
News of Tuesday, 9th March 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ બેડ અનામત નહીં છતાં 1.53 કરોડ શેના ચુકવાયાં ? : વિપક્ષના સવાલ

કોરોનાના નોંધાયેલા કેસોમાં વિસંગતતા : આંકડાઓ છુપાવવામાં આવતાં હોવાનો આક્ષેપ: 152 કરોડ કરતાં વધુ રકમ ચુકવાઇ:બાકી રકમ ચુકવાશે ત્યાં સુધીમાં આ આંકડો 1 હજાર કરોડને પાર થવાની શક્યતા

ગાંધીનગર: કોરોનાના કેસો હવે કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. રોજ કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અગાઉ કોરોનાના નોંધાયેલા કેસોમાં વિસંગતતા હોવાનું સરકાર દ્વારા વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછાયેલા પ્રશ્નના જવાબ પરથી સાબિત થતાં હોવાનું વિરોધ પક્ષ કોંગ્રેસે જણાવ્યું છે. આમ સરકાર દ્વારા કોરોનાના કેસોના આંકડાઓ છુપાવવામાં આવતાં હોવાનો આક્ષેપ કર્યો છે. સૌથી મહત્વની વાત તો એ કોંગ્રેસ દ્વારા જાહેર કરાઇ છે કે, સુરેન્દ્ગનગર જિલ્લામાં સરકારી કવોટામાં એક પણ બેડ અનામત રખાયો ન હોવા છતાં. 1,53,40,620ની રકમ ચુકવાઇ હોવાનું બતાવ્યું છે. આ મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આજે ગુહમાં કોંગ્રેસના ધારાસભ્ય પુજાભાઇ વંશ દ્વારા કેટલાંક પ્રશ્નોના જવાબમાં આંકડાની ભૂલ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો સુરેન્દ્રનગર જિલ્લાના સરકારી કવોટામાં અનામત બેડની સંખ્યાના પ્રશ્નમાં પણ આવી જ ભૂલ છે કે નહીં તે તો તપાસનો વિષય છે.

રાજયના શહેરો સિવાય જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે 4,802 બેડ ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટા માટે અનામત રાખ્યા હતા. તે અન્વયે શહેરો સિવાયની હોસ્પિટલોમાં 54,19,10,637ની રકમ ચુકવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી બેડમાં સારવાર આપવામાં આવેલા દર્દીની સંખ્યા 59,993 છે. તે માટે 152,32,91,925 ખાનગી હોસ્પિટલોને ચુકવવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોને સરકારી કવોટાના બેડ પેટે ચુકવવાની બાકી રકમ અંગે જિલ્લાઓમાંથી અહેવાલ મંગાવીને બાકી રકમ ચુકવવામાં આવશે. આમ ડિસેમ્બર-2020 સુધીમાં 152 કરોડ કરતાં વધુ રકમ ચુકવાઇ છે. બાકી રકમ ચુકવાશે ત્યાં સુધીમાં આ આંકડો 1 હજાર કરોડને પાર થવાની શક્યતા હોવાનું વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે.

તેમણે વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતુ કે, રાજય સરકાર કોરોનાના દર્દીઓની સંખ્યાના આંકડાઓ છૂપાવતી હોવાનું આજે પુરવાર થયું છે. 3-3-2021ના પહેલી બેઠકમાં તા.31 ડિસેમ્બર 2020 સુધીમાં અમદાવાદ શહેરમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યા 53,728 છે. આ જ તા. 9મી માર્ચની પ્રશ્નોત્તરીમાં દર્શાવેલી વિગતોમાં 31 ડિસેમ્બર સુધીમાં અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં 59,993 દર્દીઓને સારવાર આપી હોવાનું જણાવ્યું છે. આમ ખાનગી હોસ્પિટલોમાં જ 59,993 કોરોના દર્દીઓ નોંધાયા હોય તો અમદાવાદ શહેરમાં કુલ 53,728 દર્દીઓ કેવી રીતે હોઇ શકે, કોરોના મહામારીમાં રાજય સરકારે દર્દીઓને સમયસર સારવાર મળે તેવી કામગીરી કરવાના બદલે કોરોનાના દર્દીઓના આંકડાઓ છુપાવવા વધારે પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પુરવાર થાય છે.

કોરોના મહામારીમાં એક સમય એવો હતો કે 1200 બેડની સિવિલ કોવિડ હોસ્પિટલ, સોલા સિવિલ, એસવીપી હોસ્પિટલ, યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, સિવિલ કમ્પાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલમાં જગ્યાઓ પણ ઉપલબ્ધ ન હતી. તેમ છતાં રાજય સરકાર દ્વારા સાચા આંકડાઓ જાહેર કરીને નાગરિકોમાં જાગરુકતા લાવવાના બદલે ખાનગી હોસ્પિટલો અને હોમ આઇસોલેશનમાં રહેલાં કોરોના દર્દીઓના આંકડાઓ છૂપાવ્યાં હોવાનું સાબિત થતું હોવાનું ધાનાણીએ જણાવ્યું છે

 

જિલ્લાનું નામ અનામત બેડની સંખ્યા ચુકવાયેલા બિલની રકમ

રાજકોટ 50 40,24,980

પોરબંદર 100 50,66,640

આણંદ 430 5,67,16,920

પાટણ 95 81,45,920

મહેસાણા 30 1,29,81,240

વલસાડ 100 2,19,07.080

જૂનાગઢ 100 30,00,000

દાહોદ 10 6166260

ગાંધીનગર 111 11762960

સાબરકાંઠા 100 14814360

મોરબી 100 5221080

દેવભૂમિ દ્રારકા 50 2594160

ખેડા 227 54505280

વડોદરા 200 86804100

છોટા ઉદેપુર 477 17770320

ભાવનગર 1051 2166660

તાપી 100 2500000

સુરેન્દ્રનગર 00 1,53,40,320

અરવલ્લી 110 37742580

મહીસાગર 100 4293427

ભરૂચ 322 109247560

બનાસકાંઠા 363 19796220

કચ્છ 115 22903320

અમદાવાદ 111 16439450

નવસારી 350 000

નર્મદા 000 000

અમરેલી 000 000

પંચમહાલ 000 000

બોટાદ 000 000

બોટાદ 000 000

જામનગર 000 000

ડાંગ 000 000

ગીર સોમનાથ 000 000

સુરત 000 000

કુલ 4802 541910637

અમદાવાદ શહેર સરકારી બેડમાં સારવાર લેનાર દર્દીની સંખ્યા 59993

કુલ 152, 32, 91, 925

(10:52 pm IST)