ગુજરાત
News of Tuesday, 9th March 2021

કોવિડ-૧૯ ની મહામારીના કારણે આ વર્ષે સાગબાર ખાતે આવેલા દેવમોગરાનો મેળો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં  દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિર દર ખાતે વર્ષે મહાશિવરાત્રિના દિવસથી શરૂ થતાં મેળાની ઉજવણી ચાલુ વર્ષે  કોવિડ-૧૯ ની મહામારીના કારણે લોકોનું સ્વાસ્થય  અને સલામતી  જળવાઇ રહે તેવા હેતુથી જાહેરહિતમાં  મોકૂફ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે અને મંદિરે દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓ માટે કોવિડ-૧૯ ની સ્થાયી સુચનાઓ-માર્ગદર્શિકા-પ્રોટોકોલ સહિતની કેટલીક બાબતોનું ચૂસ્ત પાલન થાય તે સુનિશ્વિત કરવા દિશાનિર્દેશ અપાયા છે.
નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, દેડીયાપાડાના પ્રાંત અધિકારી દિપક બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના પ્રતિનિધિ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર,મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી,ગામના તલાટી-સરપંચ, સાર્વજનિક માઇ મંદિર ટ્રસ્ટ-દેવમોગરાના પ્રમુખ તથા સભ્યો ની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જરૂરી ચર્ચા-વિચારણા બાદ મહાશિવરાત્રિના રોજથી પ્રારંભાતા દેવમોગરા ખાતેનો મેળો ચાલુ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તદ્દઉરાંત અન્ય તમામ પ્રોટોકોલનું ચૂસ્તપણે પાલન કરવાની સાથે જાહેર હિતમાં કેટલીક બાબતોનો ચુસ્ત અમલ  થાય તે જોવાનું  ચર્ચા-વિચારણાને અંતે નક્કી કરાયું છે.

(10:25 pm IST)