ગુજરાત
News of Tuesday, 9th March 2021

પિરિયડને આધારે સ્ત્રીઓને કોઇ કાર્યક્રમમાં બાકાત ન કરી શકાય

ગુજરાત હાઇકોર્ટની ટકોર : ગુજરાત હાઈકોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે

અમદાવાદ,તા.૯ : કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામા આવી હતી. આ ઘટના ગત ફેબ્રુઆરીમાં બની હતી. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ આ અંગે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે કે, માસિક ધર્મની પરિસ્થિતિના આધારે કોઇપણ જાહેર, ખાનગી, ધાર્મિક કે શૈક્ષણિક જગ્યા પર મહિલાઓને બાકાત રાખવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે. કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. આ અંગેની જાહેર હિતની અરજીમાં સુનાવણી કરતા ગઇકાલે એટલે સોમવારે જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ જે. વોરાની ખંડપીઠે નિર્દેશ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, માસિક ધર્મની પરિસ્થિતિના આધારે મહિલાઓને કોઇપણ સ્થળે બાકાત કરવાની પ્રવૃત્તિ સામે રાજ્ય સરકારે ઝુંબેશ ચલાવવી જોઇએ.

જાહેર સ્થળો પર પોસ્ટર દ્વારા તેનો પ્રચાર કરવો જોઇએ. આ ઉપરાંત ટકોર કરતા જણાવ્યું હતું કે, શાળાઓના અભ્યાસક્રમમાં પણ આ બાબતનો સમાવેશ થવો જોઇએ. આપણા સમાજની મોટી ઉંમરની મહિલાઓ આ અંગે ચર્ચા કરવામાં અચકાય છે જેના કારણે કિશોરીઓ કે યુવતીઓ પાસે આ અંગેનું જ્ઞાન મર્યાદિત હોય છે. જોકે, ખંડપીઠે એ પણ કહ્યું હતું કે, આ નિર્દેશો અને અવલોકનો પ્રથમદર્શયની છે. કોઇ યોગ્ય આદેશો જારી કરતા પહેલાં અમે રાજ્ય અને કેન્દ્ર સરકારનો જવાબ સાંભળવા માગીએ છીએ. અમે ખૂબજ નાજુક મુદ્દાને સંબોધી રહ્યા છીએ, તેથી તમામ પક્ષકારો અને હિતધારકો તેમનો પક્ષ રજૂ કરે અને ચર્ચા થાય તે જરૂરી છે. કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામા આવી હતી.

આ મામલે સંચાલકોએ છાત્રાઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ છાત્રાઓની માંગણી હતી કે, આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. છાત્રાઓના કહેવા પ્રમાણે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી હતી.

સાથે જ એવી પણ ધમકી આપવામાં આવી હતી કે, આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઈને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઈ શકે છે. છાત્રાઓના આક્ષેપ પ્રમાણે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી.

(9:29 pm IST)