ગુજરાત
News of Tuesday, 9th March 2021

રાજ્યની સ્કૂલોમાં કોરોના ઘુસ્યો :કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત: ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરાવવા આદેશ

સ્કૂલો શરૂ કરાયા બાદ રાજ્યના અનેક ભાગોમાં સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રીથી વાલીઓ ચિંતિત

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અચાનક કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસો ઘટતાં સ્કૂલોમાં તબક્કાવાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જો કે હવે કોરોનાના કેસોમાં ઉછાળો થતાં વાલીઓ ચિંતિત બન્યા છે.

   સ્કૂલો શરૂ કરવામાં આવ્યા બાદ રાજ્યના અનેક ભાગોમાં આવેલી સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી જોવા મળી છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેને પગલે હવે રાજ્યના શિક્ષણ મંત્રી તરફથી સ્કૂલોમાં કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરાઈ છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવે, તો તેમને તાત્કાલીક યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે

  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું કે, સ્કૂલ ખૂલ્યા બાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવવાનો સીલસીલો યથાવત છે. જેને પગલે શિક્ષણ વિભાગ પણ સતર્ક થયું છે. શાળાઓમાં કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન થાય તે માટે આદેશ આપવામાં આવ્યા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસોમાં ઘટાડાના પગલે 11 જાન્યુઆરીએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ તબક્કાવાર ધોરણ 8,9 અને 11ના વિદ્યાર્થીઓને પણ શાળામાં પ્રત્યક્ષ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે હવે ફરીથી એક વખત કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થવાના કારણે શિક્ષણ વિભાગ પણ ચિંતામાં મૂકાયુ છે

  છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવા જિલ્લાઓમાં 100થી વધુ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. સુરતમાં કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે. જેને જોતા મ્યુન્સિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન નહીં કરનાર શાળા-કોલેજને બંધ કરવામાં આવશે

(6:20 pm IST)