ગુજરાત
News of Tuesday, 9th March 2021

આત્‍મહત્‍યા ગુન્‍હો છે પણ તેના માટે ઉશ્‍કેરનારા પત્‍ની, સાસુ-સસરાના ત્રાસથી બચવા મારા માટે બીજો કોઇ રસ્‍તો નથી, આ આત્‍મહત્‍યા નહીં મર્ડર છે, મારી પત્‍ની તથા તેના મા-બાપને સજા કરજો, મારી લાશ મારી પત્‍નીને આપતા નહીં: વડોદરામાં એલએલબી પાસ યુવકે જીવ દીધો

વડોદરાઃ વડોદરા પાસેના એક ગામમાં LLB પાસ યુવાને પત્ની, સાસુ અને સસરાના કથિત ત્રાસથી કંટાટી આપઘાત કરી લીધો હોવાની ઘટના નોંધાઇ છે. વડોદરા નજીક કરચિયા ગામ પાસેની આમ્રપાલી સોસાયટીમાં 31 વર્ષના યુવાને ઘર કંકાસમાં ગળે ફાંસો ખાઇ લીધો.

યુવાને અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, “આત્મહત્યા ગુનો છે પણ તેના માટે ઉશ્કેરનારા પત્ની, સાસુ-સસરાના ત્રાસથી બચવા મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ છૂટકો જ નહતો. હું આત્મહત્યા કરી તો રહ્યો છું પણ કે આત્મહત્યા નથી, મર્ડર છે. તેથી હું ઇચ્છું છું કે મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થવી જોઇએ.

દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઇ લીધો

આપઘાત કરનાર 31 વર્ષના યુવાનનું નામ શિરીષ હસમુખભાઇ દરજી છે. તેણે LLBસુધીનો અભ્યાસ કર્યો હતો. પરંતુ પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. શિરીષે પોતાના ઘરના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

રૂમની અંદર ગયા બાદ વધુ સમય થયો હોવા છતાં રૂમનો દરવાજો ન ખોલતા પરિવારના સભ્યો અને સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરી હતી. જેથી જવાહરનગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસે રૂમનો દરવાજો ખોલતા શિરીષ દરજી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તબીબે શિરીષને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાજવા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આર્થિક સંકડામણ અને ઘરકંકાસ

પોલીસને મૃતદેહ પાસેથી શિરીષે લખેલી બે પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેને આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આર્થિક સંકડામણ અને ઘરેલુ ઝઘડાના કારણે શિરીષ દરજીએ આત્મહત્યા કરી લીધી હતી.

સ્બયુસાઇડ નોટમાં લખેલું છે કે, “હું આત્મહત્યા જે કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી. પણ મર્ડર છે. મારી મારા પરિવાર તથા પોલીસને જાણ થાય મારા મરવા બાદ મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે. મારી પત્નીનું પુરૂં નામ મોનિકા શીરીષ દરજી છે. તથા તેના પપ્પાનું નામ કલદાસનાથ જેશવાણી તથા માતાનું નામ ગીતાબેન કલદાસનાથ જેશવાણી છે. તથા તેના ભાઇ દ્વારા પણ તેનો પુરતો સાથ આપવામાં આવ્યો છે.

મારા પર ત્રાસના પુરાવા વોટ્સએપ મેસેજમાંથી મળી જશેઃ શિરીષ દરજી

મને પણ જાણ છે કે, આત્મહત્યા એ કાયરતાનું પ્રતિક છે. પણ મારી જગ્યાએ પોતાને મૂકીને જોવો. તો કદાચ આત્મહત્યા કરવા મજબૂર કરનાર વધારે ગુનેગાર દેખાશે. મને લાગે છે કે, કદાચ મારી પત્ની તથા તેના ઘરવાળા મારા મોતની રાહ જોવે છે ને હું તેમની ઇચ્છા પૂરી કરવા નથી માગતો માટે મને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપી મારો જીવ લેવા બેઠા છે. બસ આખરમાં મારા મરવા બાદ મારું મર્ડર કરનારને સજા મળવી જોઇએ બસ. મને ત્રાસ આપેલ છે કે નહીં મારા વોટ્સએપ મેસેજમાંથી ખબર પડી જશે.

(5:33 pm IST)