ગુજરાત
News of Tuesday, 9th March 2021

સુરતમાં આઇશા જેવો કિસ્‍સોઃ શબાના નામની યુવતિને બીજા લગ્ન કરી લેનાર પતિની ધમકી-‘તું અભી તક જીંદા કૈસે હો ? તુજે તો મર જાના ચાહિયા થા, અભી તક સ્‍યુસાઇડ નહીં કિયા ?'

સુરત: ગત મહિને અમદાવાદની આઈશા નામની યુવતિએ પતિના ત્રાસથી સાબરમતી નદીમાં જંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. આઈશાએ આપઘાત કરતાં પહેલા પતિ સાથે વાતચીત કરી હતી. જેમાં તેના પતિ આરીફે આઈશાને મરી જવા કહીને પોતાને એક વીડિયો મોકલવા જણાવ્યું હતું. આઈશાના આપઘાતે સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે, ત્યાં આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી શબાના નામની યુવતીએ તેના પતિએ તરછોડી દઈને બીજા લગ્ન કરી લીધા છે. શબાનાનો પતિ હવે તેને મરી જવાનું કહી રહ્યો છે. હાલ તો પરિણીતાએ પોલીસમાં અરજી કરીને ન્યાય માંગ્યો છે.

મૂળ પશ્ચિમ બંગાળની શબનમ મલ્લિક ઉર્ફ શબાના હાલમાં લાલગેટના નાગોરીવાડમાં રહે છે. સાડા 6 વર્ષ પહેલા શબાનાના લગ્ન નસીમ મલ્લિક સાથે થયા હતા અને તેમને 4 વર્ષની એક દીકરી પણ છે. 3 દિવસ પહેલા શબાનાને ખબર પડી કે નાસીમ તેની માસી સાસુ સાથે લગ્ન કરીને તેને ઘરે લઈ આવ્યો છે. જેનો વિરોધ કરતાં નસિમે શબાને કહ્યું કે, મારે તું નથી જોઈતી. તું મરી જા. તુ અભી તક જિંદા કૈસે હો? તુજે તો મર જાના ચાહિયે થા. અભી તક સ્યૂસાઈડ નહીં કિયા?” આટલું જ નહીં, નસિમના સબંધીઓ પણ શબાનાને હેરાન કરી રહ્યાં છે. શબાનાનું કહેવું છે કે, મારે બીજી આઈશા નથી બનવું. મારે મારી દીકરી માટે જીવવું છે. હાલ તો શબાનાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જ્યારે લાલગેટ પોલીસ સ્ટેશનના PI ડાભીનું કહેવું છે કે, શબાનાએ પોલીસ ફરિયાદ નથી નોંધાવી માત્ર અરજી જ કરી છે.

નસિમે પોલીસને જણાવ્યું કે, અમારામાં તો 4 લગ્ન થઈ શકે છે અને મે બીજા લગ્ન કર્યાં છે. હું મારી બન્ને પત્નિને સાથે રાખવા રાજી છુ, તો કોઈને શું કામ વાંધો હોઈ શકે? જણાવી દઈએ કે, સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરનાર આઈશાના પતિ આરિફ ખાને પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી છે કે, તેણે જ આઈશાને કહ્યું હતું કે મરી જા અને વીડિયો મને મોકલી આપજે. આઈશાના મોતની તપાસ કરી રહેલી પોલીસને ફોનમાંથી 70 મિનિટની એક ઓડિયો રેકોર્ડિંગ મળી છે. જેમાં આઈશાને તેનો પતિ આરીફ કહી રહ્યો છે, મરી જા અને મને મોતનો વીડિયો મોકલી આપજે. પોલીસે આઈશાના પતિ આરીફનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. જેમાં એક વાતનો ખુલાસો થયો છે કે, આઈશાએ નદીમાં છલાંગ લગાવતા પહેલા 70 મિનિટ સુધી પતિ સાથે વાતચીત કરી હતી. વીડિયો રેકોર્ડ કર્યાના ઠીક બાદ 25 ફેબ્રુઆરીએ 23 વર્ષની આઈશાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. જે બાદ પોલીસે રાજસ્થાનમાં રહેતા આઈશાના પતિની ધરપકડ કરી લીધી હતી. હાલ તેને જ્યડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આરીફ પર દહેજ માંગવાનો અને આઈશાને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો આરોપ છે.

(5:30 pm IST)