ગુજરાત
News of Tuesday, 9th March 2021

સુરતના અડાજણ-વેડને જોડતા બ્રિજ ઉપર નબીરા દ્વારા સ્‍ટંટઃ પોલીસ સડકછાપ રોમીયોને ઝડપીને કાર્યવાહી કરે તેવી લોકમાંગ

સુરત: સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા એક બેફામ નબીરાનો વીડિયો વાયરલ (viral video) થયો છે. આ નબીરો અડાજણ-વેડને જોડતા બ્રિજ પર સ્ટંટ કરી રહ્યો છે. ટ્રાફિક પોલીસનું નાક કાપીને જાહેરમાં સ્ટંટ કરતા આ નબીરાને જોઈને તમારા દિલની ધડકન તેજ થઈ જશે. પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકીને રોંગ સાઈડમાં સ્ટંટ કરી રહ્યો છે. એક ટાયર ઉપર બાઈક ચલાવીને સ્ટંટ કરતો આ નબીરો પોલીસ પુત્ર છે કે પછી સડકછાપ રોમિયો તે હજી સામે આવ્યું નથી. પણ  બ્રિજની રોન્ગ સાઈડમાં બીજા લોકોના જીવનને જોખમમાં મૂકતા આ સડકછાપ સ્ટંટબાજને જોઈને તમને ગુસ્સો આવી જશે.

સુરતનો આ વીડિયો શોકિંગ છે. સુરતમાં અડાજણ-વેડને જોડતા બ્રિજ પર વાહનોની અવરજવર વચ્ચે આ નબીરો સ્ટંટ કરી રહ્યો છે. સુરતમાં આ પહેલી એવી ઘટના નથી કે બ્રિજ પર નબીરાઓ સ્ટંટ ના કરતા હોય. પોલીસના નાક માથે કાળી ટીલી સમાન આવી ઘટનાઓ અવિરત રીતે ચાલુ છે. પોલીસ આવા સડકછાપ રોમિયોને પકડીને કડક કાર્યવાહી કેમ નથી કરતી. આ વાયરલ વીડિયો અનેક સવાલો ઉભા કરે છે. શું સ્ટંટ કરવા માટે આ નબીરાઓને લાયસન્સ આપવામાં આવ્યું છે કે પછી પોલીસ આવા સ્ટંટબાજો પ્રત્યે જરા પણ ગંભીર નથી.

રાજ્યમાં એક તરફ બુલેટમાં મોટાં મોટાં સાયલેન્સર લગાવીને રૌફ જમાવતા માથાભારે શખ્સોનો આતંક અને બીજી તરફ રાત્રે બ્રિજ પર સ્ટંટ કરતા સડકછાપ રોમિયોનો આતંક છે. શું ગૃહ વિભાગ આવા સ્ટંટબાજો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને ઉદાહરણ રૂપ દાખલો બેસાડશે ખરો. શું પોલીસ આવા નબીરાઓનાં બાઈક જપ્ત કરીને તેમનું લાયસન્સ રદ કરીને જેલમાં ધકેલવાની હિંમત કરશે ખરી?

(5:28 pm IST)