ગુજરાત
News of Tuesday, 9th March 2021

વધુ ૬૦ હજાર મેટ્રિક ટન ચણા ખરીદવા કેન્દ્રની મંજુરીઃ કાલથી વધુ ખેડૂતોને તેડુ

ટેકાના ભાવે કુલ ૩,૦૬,૯૫૭ મેટ્રિક ટન ખરીદવા પુરવઠા નિગમને છૂટ : ગઈકાલે ૪૬૧૪ ખેડૂતોને મેસેજ મોકલાયેલ, ૯૫૮ ખેડૂતો ચણા લઈને આવ્યા : ટેકાના ભાવે ઘઉં વેચવા માટે નોંધણી ચાલુઃ ગઈકાલ સુધીમાં ૧૪૧૬૩ ખેડૂતો નોંધાયાઃ ૧૬મીથી ઘઉંની ખરીદી

રાજકોટ, તા. ૯ :. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ગઈકાલથી ટેકાના ભાવે રાજ્યવ્યાપી ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની માંગણી મુજબ કેન્દ્રએ વધુ ૬૦ હજાર મેટ્રિક ટન ચણા ખરીદવા મંજુરી આપી છે. જો કે તેનાથી ખેડૂત દિઠ ખરીદીના મહત્તમ જથ્થા ૧ હજાર કિલોમાં કોઈ ફેરફાર થશે નહિ. કેન્દ્રએ બે તબક્કે ૨.૪૭ લાખ મેટ્રિક ટન ચણા ખરીદવા મંજુરી આપેલ. હવે કેન્દ્રએ રાજ્ય સરકારની માંગણી મુજબ વધુ ૬૦ હજાર મેટ્રિક ટનની મંજુરી આપતા કુલ ૩,૦૬,૯૬૭ મેટ્રિક ટન ચણા ખરીદવાની મંજુરી મળી છે. ચણા વેચવા માટે કુલ ૩.૮૧ લાખ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.

ગઈકાલે પ્રથમ દિવસે ૪૬૧૪ ખેડૂતોને મેસેજ મોકલાયેલ. જેમાંથી ૯૫૮ ખેડૂતો ચણા વેચવા આવ્યા હતા. આવતીકાલથી ખેડૂતોને બોલાવવાની સંખ્યા વધારાશે. દરેક કેન્દ્ર પરથી પચાસ-પચાસ ખેડૂતોને મેસેજ મોકલવામાં આવશે. સરકાર રૂ. ૫૧ના કિલો લેખે ચણા ખરીદી રહી છે. ચણા વેચવામાં પ્રારંભિક નબળા પ્રતિસાદ બાદ હવે સંખ્યા વધવાની સરકારને આશા છે.

ટેકાના ભાવે ઘઉં માટે ઓનલાઈન નોંધણી ચાલુ છે. તા. ૫થી ગઈકાલ સુધીમાં ૧૪૧૬૩ ખેડૂતો નોંધાયા છે. તા. ૧૬મીથી ઘઉંની ખરીદી શરૂ થશે.

(4:17 pm IST)