ગુજરાત
News of Tuesday, 9th March 2021

સહુ ચાલો જીતવા જંગ બ્યૂગલો વાગે..

દેશને તમામ રીતે લૂંટતી અંગ્રેજ સામેનો શંખનાદ હતી દાંડીકૂચ

આજે પણ દેશ ઇચ્છે તો દાંડી જેવી અહિંસક લડાઇ લડી શકે : દાંડીકૂચની સફળતા અંગે મોતીલાલ નહેરુ, ઇન્દુલાલ યાજ્ઞિક, સરદાર સાહેબ, રવીન્દ્રનાથ ટાગોરે પણ પ્રશ્નો કર્યા હતાઃ સરદાર પટેલે દાંડીનો ફકત રુટ નક્કી કર્યો એટલું નહીં, આખા રુટ પર એક આખું વાતાવરણ સર્જી દીધું: ૬૧ વર્ષની વયે ગાંધીજી અમદાવાદથી ચાલતા દાંડી જવા નીકળ્યા, રસ્તામાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ સહિતના સંદેશ આપ્યાઃ આજના રાજકીય પક્ષોની જેમ એમણે આશ્યર્ય જનક કાર્યક્રમ નહોતો આપ્યોઃ અંગ્રેજ સરકારને એક લાંબો પત્ર લખીને વિગતો આપી હતી.

હું સ્પષ્ટપણે કહું છું કે જે ધ્યેયના સાધન માટે આપણે નીકળીએ છીએ તે ધ્યેય આપણે સાધીશું વા તેની સાધના કરતાં જ મૃત્યુ પામીશું. આપણે હવે પાછા વળવાનું નથી. હિંદમાં સ્વરાજ સ્થપાય ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખીશું. આ છેલ્લી લડત છે. મારી સાથે આવનાર સિપાઇઓએ જાણવું જોઇએ કે તેઓએ પાછા ફરવાનું નથી......

૧૯૩૦ના ૧૦મી માર્ચે ગાંધીજીએ આ ભાષણ કર્યું. અગિયારમી માર્ચે જનમેદની એટલી બધી વધી ગઇ કે સભા સાબરમતી નદીના પટમાં કરવી પડી. એમને પોતાને અને લોકોને શંકા હતી કે ગમે ત્યારે ધરપકડ થશે પરંતુ ન થઇ. આશ્રમની બહાર હજારો લોકો આવી ગયા હતા. સામા કાંઠે પણ એ સ્થિતિ હતી. આખી રાત લોકો જાગ્યા. એ દિવસે ગાંધીજીએ કહ્યુઃ ંએવું સાવ સંભવિત છે કે આજે તમારી પાસે આ મારું છેલ્લું વ્યાખ્યાન હોય, સવારના સરકાર કૂચ કરવા દેશે તો પણ આ સાબરમતીને પવિત્ર કાંઠે તો આ છેલ્લું જ ભાષણ હશે. અથવા મારી જિંદગીનું છેલ્લું આ છેલ્લું ભાષણ હોય.....

એવું નોંધાયું છે કે એ રાત્રે નિરાંતની ઊંઘ કરી હોય તો એક માત્ર ગાંધીજીએ. ત્રણ સપ્તાહ સુધી આશ્રમમાં વિવિધ તૈયારી ચાલુ હતી. આખી દાંડીકૂચની સંપૂર્ણ તૈયારી તો કરી હતી ગાંધીજીના અડીખમ સૈનિક એવા સરદાર વલ્લભભાઇ પટેલે.

મીઠાં સત્યાગ્રહ ગુજરાતમાં જ કરવો એ તો નક્કી હતું પરંતુ આખા ગુજરાતમાં લટાર લગાવીને સરદાર એ જાણી આવ્યા હતા કે એમની જન્મભૂમિના જિલ્લાને બદલે કર્મભૂમિ સુરત બધી રીતે યોગ્ય રહેશે. માત્ર સાથીઓની માંગણીને લીધે નહીં પરંતુ વ્યૂહરચનાના ભાગરુપે સરદારે આખું આયોજન કર્યું હતું. જો યાત્રા ફકત ખેડા જિલ્લા સુધી મર્યાદિત રહે તો તો પાંચ-સાત દિવસમાં પૂર્ણ થઇ જાય. અહિંસક સત્યાગ્રહનો સંદેશ આખા દેશમાં ફેલાય એ માટે ત્રણ અઠવાડિયાં જેટલો સમય તો જરુરી હતો. ગુજરાતના મુખ્ય જિલ્લા આવરી લેવાયા હતા. કૂચ કયાં? કયારે પહોંચશે? કેટલો આરામ બપોરે થશે. રાતનો વિસામો કયાં? એ પણ નક્કી હતું.વલ્લભભાઇ આના મુખ્ય આયોજક હતા.

વલ્લભભાઇએ માત્ર દાંડીયાત્રાનો રસ્તો જ નક્કી કર્યો એવું નહોતું. એમણે પોતાના આચરણ-વર્તન વડે રાષ્ટ્રીય આંદોલન માટે ત્યાગ અને બલિદાનનું વાતાવરણ ઊભું કર્યું હતું.  કૂચના મુખ્ય સ્થળોએ એ ફરી વળ્યા અને લોકોમાં જુસ્સો ભર્યો. અંગ્રેજ સરકાર માટે આ જીરવવું ભારે થઇ પડ્યું અને ૭જ્રાક માર્ચે એમની ધરપકડ કરી. પણ ત્યાં સુધીમાં તો વાતાવરણ બંધાઇ ગયું હતું. સાબરમતીના તટે થયેલી ક્રાંતિથી દાંડીના દરિયે ભરતી સર્જાવાની હતી એ નક્કી થઇ ગયું. અમે પણ સરદાર સાહેબની જેમ જેલમાં જશું એવો જુસ્સો સેંકડો કાર્યકરોમાં હતો.

 ૧૨ માર્ચે સવારે સાબરમતી આશ્રમથી ૭૯ પદયાત્રીઓ સત્યના પથ પર અહિંસાની લાકડીના ટેકે ચાલતા થયા. એમના આગેવાન હતા ૬૧ વર્ષીય મોહનદાસ ગાંધી..........

આ ઘટનાને બરાબર એકાણું વર્ષ વિતી ચૂકયાં છે. અનેક સવાલ સામે આવે છે. શું આજે અહિંસા પ્રસ્તુત છે? અહિંસક લડત શકય છે? એના કરતાં પણ મોટો સવાલઃ કાશ્મીરમાં પથ્થરમારો કરતા કે પુલવામામાં હુમલો કરતા લોકો સામે અહિંસાના શસ્ત્રથી કેમ લડવું? આ પ્રશ્ન જરા પણ અસ્થાને નથી. સહજ રીતે થવો જોઇએ જ. દાંડી વિશે અત્યારે લખવાનું કારણ જ એ કે નેવું વર્ષે આ વિચાર કેટલો ટકી શકે એની ચર્ચા થવી જોઇએ. આજે થતા આંદોલન અને દાંડીકૂચની સરખામણી જ આમ તો થઇ ન શકે. પણ અહિંસા તો અહિંસા છે. આઝાદ ભારતમાં કેટલા આંદોલન થયા, કેટલા ટકયાં, પહેલાંના અને અત્યારના આંદોલનમાં ફર્ક એ છે કે પહેલાં આંદોલન થતાં એટલે સરકાર ધરપકડ કરતી, આઝાદી પછી એવું થયું કે ધરપકડ વહોરવી હોય એટલે આંદોલન માટે નીકળી પડવાનું.

શાહીનબાગ-તાજેતરનું પ્રકરણ. શરુઆતમાં તો આંદોલન લાગ્યું પણ પછી હિંસા ય થઇ અને પછી તો  આઇએસઆઇએસ કનેકશન પણ ખૂલ્યું હોવાની વાત આપણી સામે આવી. કોરોનાએ એ સત્ય બહાર ન આવવા દીધુ.  હિંસા ન જ કરવી અને સરકારને મનાવી લેવી કે ધ્રુજાવી દેવી એ કપરું કામ છે. શાહીનબાગના આંદોલનકારીઓ એમાં નિષ્ફળ નિવડ્યા. નહીં તો પેલા અંકિતના શરીરમાં આટલા બધા છરીના ઘા ન હોત. સરકાર સામે કોઇ પણ વાંધો વિરોધ હોય પણ આપણી પ્રજા કોઇ અન્ય વિદ્યાતક તાકાતનો હાથો બને ત્યારે પરિણામ ગંભીર જ હોય.

પાંચ વર્ષ પહેલાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકારી-પ્રજાની મિલકતોનો નાશ થયો હતો. માંગણી સરકાર સ્વીકારી પણ લે અને છતાં સરકારી મિલકત કે અમલદારને ઘસરકો પણ ન પડે એવું આંદોલન બધાના હાથની વાત નથી.

નેવું વર્ષ પહેલાં જે થયું એ આજે શકય નથી? આજે ગાંધીજી તો એટલા જ નિર્ભિક થઇને નીકળી શકે. પરંતુ કૂચ શરુ થયા પછી એના પર હુમલો ન જ થાય? હિંસા ન જ થાય એવું ખાતરી પૂર્વક કોણ કહી શકે? દેશમાં કોઇ વર્ગ,સમાજ, સંગઠન દ્વારા થતી લડત કે આંદોલન વખતે ગાંધીચિંધ્યા માર્ગે- એવો શબ્દ ઉપયોગમાં લેવાય છે. પણ એ માર્ગ ઘણો કઠિન છે.

આજે ગાંધીજી જેવા સેનાપતિ મળવા મુશ્કેલ છે. સરદાર જેવા સમર્પિત સૈનિક મળવા પણ મુશ્કેલ અને ત્યારના આંદોલનકર્તા જેવા નિષ્ઠાવાન લોકો પણ ન મળે. એક હાકલથી હજારો લોકો રસ્તા પર ઉતરી આવે એ જ શકય નથી. ભલે એ આખી લડત સ્વતંત્રતાની હતી. પણ દાંડીકૂચ વિશેષ દરજ્જો ધરાવે છે. અને એને આટલો પ્રતિસાદ મળ્યો એનું મુખ્ય-મહત્વનું કારણ એ કે જે ઇરાદો હતો એ જ આંદોલન હતું એ જ કારણ હતું. મીઠું પ્રતીક, લક્ષ્ય દેશની સ્વતંત્રતા-અંગ્રેજોને ખુલ્લો પડકાર. સો ટચની શુધ્ધતા એમાં હતી. જે અંગ્રેજો સામે આંદોલન હતું એના માટે પણ શત્રુભાવ કે ઝેર ગાંધીજીના મનમાં નહોતું. આપણે હવે તો આખરે આપણી જ સરકાર સામે (કોઇ પણ પક્ષ, કોઇ પણ પક્ષની સરકાર સામે) લડીએ તો ય પાડી જ દેવાની વૃત્ત્િ।થી લડીએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દાંડીકૂચનો પુનઃ પ્રારંભ કરાવીને દેશની સ્વતંત્રતા પર્વની ૭૫જ્રાક વર્ષગાંઠ ઉજવવાની શરુઆત કરી રહ્યા છે. આ ભલે પ્રતીકાત્મક દાંડીકૂચ છે પરંતુ સંદેશ તો એ જ સંગઠિત થવાનો છે. આઝાદીની લાંબી લડાઇનો અત્યંત મહત્વનો એવો આ ઘટનાક્રમ ગુજરાતની ધરતી પર બન્યો એ પણ અગત્યનું છે. અને એનું પૂણ્ય સ્મરણ થઇ રહ્યું છે એ પણ રાજી થવાનો વિષય છે. આજના સમયમાં દાડીકૂચ જેવું આંદોલન ચાલે? એ સવાલનો જવાબ એ જ છે કે શુધ્ધ-શુભ ઇરાદો હોય તો ચોક્કસ ચાલે. અહિંસાની તાકાત પણ શું પરિણામ લાવી શકે એનું બળુકું ઉદાહરણ આ દાંડીકૂચ છે. તો એના અનેક માંનું એક મહત્વનું પાસું એ છે સાવ તળના, છેવાડાના માનવી માટેની નિસબત. આંદોલનનો હેતુ-સાધ્ય ઉપરાંત એનું સાધન પણ એવું જે દેશના-સમાજના દરેક વર્ગને સ્પર્શે.

 દેશના ખૂણે ખૂણે જેના પ્રત્યાદ્યાત પડે, પ્રજાને બોલાવવી ન પડે એ સ્વયં આવી જાય એ દાંડીકૂચની ઉપલબ્ધિ છે. અને એવું શું કામ થયું હતું? અહીં આવા કેટલાક સવાલની સાથે દાંડીકૂચની વર્તમાન પ્રસ્તુતતા ચકાસવાનો એક પ્રયાસ છે.

આપણે, અહિંસા ચાલે? એવા સવાલ કરીએ છીએ. પણ આંદોલન માટે આપણે ચાલીએ કે નહીં? એ પણ પ્રશ્ન અગત્યનો છે. મુદ્દો, વાંધો, વિરોધ કોઇ પણ હોય. સરકાર કોઇ પણ હોય. આંદોલનકર્તાની સચ્ચાઇ કેવી,કેટલી હોય અને મક્કમતા કેવી હોય એનું ઉદાહરણ દાંડીકૂચ છે. એટલે એ સંપૂર્ણ પ્રસ્તુત છે કે નહીં એ તો ચર્ચાનો જ સવાલ છે પણ આપણે આપણી તાસિર,અનુકુળતા મુજબ એમાંથી શું લઇ શકીએ એ અગત્યનું. દાંડીકૂચ એ માત્ર ૨૪૩ માઇલની પદયાત્રા નથી. એ આજે પણ આંદોલનકારીઓ માટે દીવાદાંડી છે.. વિશ્વસ્તરે, દેશમાં જ નહીં વિશ્વસ્તરે ગાંધીજીની પ્રતિભા એ અરસામાં એવી હતી કે એમણે કંઇ પણ કાર્યક્રમ આપ્યો હોત તો એને આવો પ્રતિસાદ મળત.

લોકો બંધ આંખે પણ ખુલ્લા મને અને ધબકતાં હ્રદયે ગાંધીજીને અનુસરવા તૈયાર હતા. કોઇ મોટા અમલદારની સામે એ કૂચ લઇ જઇ શકયા હોત. પરંતુ શા માટે આ મીઠાં સત્યાગ્રહ-દાંડી કૂચ? અને એ પણ આવી પદયાત્રા થકી? ચપટી મીઠું તો એમણે છઠ્ઠી એપ્રિલે ઊપાડ્યું. પરંતુ ત્યાં આ કૂચ પહોંચે એ પહેલાં અંગ્રેજ સરકારના પગે પાણી ઊતરવાં શરુ થઇ ગયાં હતા. સાવ સામાન્ય લાગે એવી વાતની અસામાન્યતા સરકારે પારખી લીધી. પ્રતિકાર કરવાના અનેક વિકલ્પ અને રીત હતી પરંતુ ગાંધીજીએ આ જ પસંદ કર્યું. આજે હવે અંગ્રેજ સરકાર નથી. લોકોનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. પરંતુ કયાંક કોઇક પણ બાબત એવી હોય જેના માટે કોઇ પણ સરકાર સામે કંઇ અવાજ ઊઠાવવો પડે તો આ રસ્તો જ કદાચ સૌથી સરળ છે. આપણે ત્યાં સ્વતંત્રતા પછીના આંદોલન કે લડત ટકયાં એટલે નહીં કે ઉદ્દેશ્ય એનો લોક કલ્યાણ કરતાં સ્વ કલ્યાણનો વધારે હતો. કોઇ પણ રાજકીય પક્ષે ખેડુત, કોઇ વર્ગ, કોઇ જ્ઞાતિ, શ્રમિક આ બધાના નામે આંદોલન કર્યાં પરંતુ એમના માટે થયેલાં આંદોલનનું પ્રમાણ ઓછું રહ્યું.

વિશ્વ આ વિભૂતિને વંદન કરે છે એના કારણ તો અનેક છે પણ આ એક પ્રકરણમાં એમાંથી ઘણું જોઇ શકાશે. આંદોલન કે પદયાત્રાનો હેતુ પ્રસિધ્ધિ કે ફકત સરકાર સામે શકિત પ્રદર્શિત કરવાનો નહોતો. આજની સ્થિતિએ તો એવું થાય કે કોઇ આવી સફળ રેલી કાઢે તો વિપક્ષ એને ઓફર કરે. ગાંધીજીના હ્રદયમાં અને સાથીઓના મનમાં તો ચિંતન કંગાલોનું હતું. ગામડાંમાં રહીને પાયમાલ થઇ રહેલા ખેડુતો,મજદૂરોની પીડ ગાંધીજીએ વૈશ્ણવજન બનીને જાણી હતી. એનું પરિણામ હતી આ દાંડીકૂચ. આજે પણ કોઈ લડત,કોઈ ઝુંબેશ જો વિશાળ જનહિતની ખેવના કરીને શરૂ કરવામાં આવે તો જેના માટે કરાઈ હોય એનો ટેકો મળે અને જેની સામે કરાઈ હોય એને ધોળે દિવસે તારા દેખાય.

દેશમાં અસહયોગ આંદોલન વગેરે અહિંસક લડત ચાલ્યા પછી વાતાવરણ ડહોળાયું. અલબત્ત્। દેશ માટે જ કામ કરતા પરંતુ ગાંધીજી કરતાં અલગ વિચાર અને કાર્યપધ્ધતિ ધરાવનારા લોકોનું જોર વધ્યું. અસહકાર દરમિયાન ચૌરીચૌરાની જાણીતી દ્યટના બની અને પોલીસ કર્મીઓને જીવતા ભૂંજી નંખાયા- ગાંધીજીએ આખું આંદોલન જ મોકૂફ રાખ્યું. આ વિભૂતિ પાસેથી અહિંસક આંદોલનના નેવુંમાં વર્ષે નિખાલસતા,નમ્રતા અને ભૂલનો એકરાર પણ શીખવા જેવી બાબતો છે. મેં શરુ કર્યું એ કાર્ય સાચું કે ખોટું હોય એ ચાલુ જ રહે,  થોડું અયોગ્ય લાગ્યું હોય તો ય પોતાના પગલાંને સત્ય જ ઠેરવવાના પ્રયાસ. એજન્ડા બીજો હોય અને કહેવું એમ કે આ તો દેશ માટે છે અને પછી પાછલા બારણે એ નિર્ણયને સાર્થક ગણાવી દેવા ભરપૂર પ્રયાસ થાય એવું એમનામાં નહોતું. આઝાદી પછીના આંદોલનો કે લડતો એ મોટા ભાગે ટક્કર રહી, એમાં નક્કર ઓછું હતું .

ગાંધીજીને પોતાના આંદોલન કરતાં માનવીય મૂલ્યોનું જ મહત્વ વધારે રહ્યું અને એટલે એમણે આંદોલન બંધ કર્યું. દેશ કંઇક કરી બતાવવા આતુર હતો. ગાંધીજી કંઇક કાર્યક્રમ આપવા મનોમંથન કરતા હતા.શું એ કોઇને ખબર નહોતી. કેટલાક પ્રશંસકો એને ગાંધીજીની ચાણ્કયનિતિ સમજતા હતા તો કોઇ વળી માનતા કે આ ચાલબાજી છે. પણ બન્ને વિચાર ખોટા હતા. કોઇ કાર્યક્રમ એમને સૂઝયો જ નહોતો. આશ્રમમાં આવેલા રવીન્દ્રનાથ ટાગોર સાથે પણ ચર્ચા થઇ એમાં કંઇ નક્કી નહોતું અને આ મીઠાં સત્યાગ્રહ એમને સૂઝયો. દેશમાં વ્યાપેલી હિંસાને ભૂલાવી દે એમ નહીં પણ અહિંસાને ઊંચેરી સાબિત કરે. લોહી વહાવ્યા વગર પણ સરકારને હલાવી શકાય એવું કંઇક કરવું એ ધ્યેય હતું અને એટલે આઝાદીની ચળવળનું અત્યંત ઉજ્જવળ એવું આ પ્રકરણ આકાર પામ્યું.

મીઠાંનો સત્યાગ્રહ, એ સમયના કોંગ્રેસના તમામ આગેવાનોને આશ્યર્ય થયું. મોતીલાલ નહેરુને તો એમ લાગ્યું કે ફરી આમને માટીના પાટા અને બકરીના દુધના પ્રયોગ જેવું કંઇક વિચિત્ર વિચાર આવ્યો. ઇન્દુલાલ યાજ્ઞિકે તો ગાંધીજીને પૂછ્યું હતુઃ મીઠાંના કાયદાના ભંગ થી જુવાનિયાઓ જાગશે ખરા? સુભાષચંદ્ર બોઝે સમાનાન્તર સરકાર રચવા કહ્યું અને નહેરુએ એમાં સંમતિનો સૂર પુરાવ્યો હતો. સરદારે દિલ્હી કૂચ લઇ જવા કહ્યું, પણ આ બાપુ- બાપુ સેહત કે લિયે તું તો હાનિકારક હૈ ની જેમ વર્તતા હતા. કોઇનું માને નહીં. એમના મનમાં સ્પષ્ટ હતું કે હિન્દુસ્તાનના નાગરિકો પાસે એમની આવક કરતાં વધારે કર વસુલાય છે. ઇંગ્લેન્ડમાં બનેલા માલની આવક થાય છે. હિન્દની આર્થિક બરબાદી આ કૂચનો મુખ્ય મુદ્દો હતો. જે પ્રતિજ્ઞા લેવાઇ એનો સાર એ હતો કે આપણા દેશનું ચતુર્વિધ સત્યાનાશ જે રાજયે વાળ્યું છે એ રાજયને વધારે વાર તાબે રહેવામાં મનુષ્ય અને ઇશ્વરનો આપણે ગુનો કરીશું એમ અમારો સ્પષ્ટ અભિપ્રાય છે.

 દેશમાં છવાયેલા અહિંસાના વાતાવરણને  શમાવવું હોય તો  એક જોરદાર અહિંસક કાર્યક્રમ આપવો જ રહ્યો એવું એ વિચારતા હતા સાથે જ અસહકાર વખતે જે હિંસા થઇ એ હવે ન થાય એ માટે પણ સતર્ક રહ્યા. આ લડતનું લક્ષ્ય તો અંગ્રેજ સરકારને તગેડી મુકવાનું જ હતું. પરંતુ કોઇને ઉથલાવવા કરતાં કે એ પહેલાં આપણું પોતાનું ઉત્થાન થાય એ જરુરી છે એવું એ સ્પષ્ટ માનતા અને એટલે એમણે ૩૦ જાન્યુઆરી,૧૯૩૦ના યંગ ઇન્ડિયામાં પડદો ખૂલ્યો શીર્ષકથી લેખ લખ્યો,અગિયાર માંગણી એમાં મુકી અને એ સ્વીકારે છે કે નહીં એના પરથી સરકારની કસોટી કરી.

એ  મુદ્દા હતા સંપૂર્ણ દારુ નિષેધ, હુંડિયામણ દર રુપિયાને સોળ પેન્સ, મહેસુલ અડધું કરવું, મીઠાંનો કર સંપૂર્ણ નાબુદ થાય....લશ્કરી ખર્ચ અડધો થાય. પરદેશી કાપડ પર સ્વદેશીની રક્ષા થાય એટલી જકાત અમલી બને.......મીઠાંના કરને ગાંધીજીએ પસંદ કર્યો એનું સ્પષ્ટ કારણ હતું કે અંગ્રેજ સરકાર કરના નામે લૂટ જ ચલાવતી. અને મીઠું એ એવી વસ્તુ હતી જે ગરીબ-પૈસાદાર બધાના ઉપયોગમાં આવતી. સમગ્ર દેશના તમામ પ્રાંત,ધર્મ,વર્ગ,જ્ઞાતિ,જાતિને એ તાંતણે બાંધવા આનાથી મોટો કયો વિષય હોય, અને મીઠાંનો પ્રશ્ન એમના મનમાં સીધો જ ૧૯૩૦માં આવ્યો એવું ય નહોતું. વિદ્યાર્થી અવસ્થામાં લંડન હતા ત્યારે-૧૮૯૧માં  ધ વેજિટેરીયન મેસેન્જરમાં લખ્યું હતુઃ હિન્દુસ્તાનમાં એવા લાખો ને કરોડો લોકો છે જે દિવસની એક પાઇ પર ગુજરાન ચલાવે છે. એ ગરીબોને રોટલો અને મીઠું પણ એક ટંક નસીબ થાય છે. જેના પર ભારે વેરો છે. હિન્દ સ્વરાજમાં ૧૯૦૯માં એમણે લખ્યુઃ મીઠાં પરનો વેરો એ કંઇ નાનો સૂનો અન્યાય નથી.

વર્ષોનું ચિંતન આ લડત પાછળ હતું.

 મીઠાં સત્યાગ્રહ અહિંસાની પણ પરાકાષ્ઠા અને છેવાડાના માણસની પણ ઊંડી ચિંતાનો સમન્વય છે. ૧૨મી માર્ચે સવારે છ દસ મિનિટે બાપુએ કૂચ શરુ કરી. પ્રથમ દિવસે ચંડોળા તળાવે પ્રથમ વિસામો અને પછી અસલાલી ગામે રાત્રી રોકાણ કર્યા બાદ તેરમી તારીખે કૂચ બપોરે બારેજા અને રાત્રે નવાગામમાં રોકાઇ.....૧૩મી માર્ચે બપોરે બારેજામાં કહ્યુઃ સ્વતંત્રતાના પાયામાં ખાદી છે. વિલાયતી કપડાંથી સ્વાધીનતા કદી મળવાની નથી. મોજશોખ મૂકીને સૌને વિનંતિ છે કે,  ઢગલા માંથી ખાદી લેજો. આપણી માતાને જાડી કે કદરુપી હોવાને કારણે ત્યજી બીજી કોઇ સુંદર બાઇને તે સ્થાને આપણે સ્વીકારતા નથી......

રાત્રે નવાગામમાં કહ્યુઃ આપણા સરદાર પકડાઇ ગયા છે. તમારા અને તમારા જિલ્લાની મારાં કરતાં વધારે સેવા સરદારે કરી છે. સરકારે એમના જેવાને પકડીને ગંભીર ભૂલ કરી છે. એ પછી માતરમાં કે ડભાણમાં, નડિયાદમાં એમણે ખાદી અને ગૌરક્ષાના સંદેશ આપ્યા. મીઠાંની વાત લઇને નીકળ્યા અને કેટલું કહેતા ચાલ્યા......જોર જુલમ કી ટક્કર મેં સંઘર્ષ હમારા નારા હૈ....હમ સે જો ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગા...જેવા કોઇ નારા નહોતા....કોઇ નકારાત્મક વાત નહોતી. દાંડીકૂચમાં હતા નારાણણ મોરેશ્વર ખરેના ભજનો. ગાંધીજીએ નક્કી કરેલા નિયમો અને સરદાર પટેલે નક્કી કરેલો માર્ગ....એ માર્ગ શરુ થયો ૧૨ માર્ચે અને એનો છેડો હતો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭...જો કે હજી પણ એ રસ્તો તો છે જ. આપણા પગમાં તાકાત હોય તો ચાલી પણ શકાય.

  દાંડીકૂચ સ્મૃતિ લેખમાળા-

જવલંત છાયા

સોશ્યલ મિડીયામાંથી સાભાર

મો.૯૯૦૯૯ ૨૮૩૮૭ 

(4:15 pm IST)