ગુજરાત
News of Tuesday, 9th March 2021

સરકાર હસ્તકની હોસ્પિટલોમાં ખાનગી પ્રેકિટસ કરતાં તબીબોની સેવા ઉપલબ્ધ કરાવાશેઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

ગાંધીનગર,તા. ૯ : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, તબીબીક્ષેત્રે સરકારી સેવાઓમાં ઉપલબ્ધતા મર્યાદિત હોઈ, સરકાર હસ્તકની જનરલ હોસ્પિટલોમાં ખાનગી પ્રેકિટસ કરતાં તબીબોને પણ ઉચિત પગાર આપી દર્દીઓની સારવાર કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યની સરકારી જનરલ હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાતોની ખાલી  જગ્યા અંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ જગ્યાઓ ભરવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ તબીબો સરકારી સેવા કરતા ખાનગી પ્રેકિટસ વધુ કરી રહ્યાં છે. આમ છતાં કોરોના સમયની ગંભીર બીમારી સમયે ખાનગી પ્રેકિટસ કરતા તબીબોને ખાનગી પ્રેકિટસ સાથે ૮૫ હજાર તેમજ કાયમી માટે ૧.૨૫ લાખ સુધીની ઓફર કરવામાં આવી હતી. સાથોસાથ આયુષ ડોકટર્સને રૂ. ૩૦ હજાર ચૂકવીને રાજ્યના દર્દીઓને સારવારમાં કચાશ ન રહે તેની તકેદારી રાખવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ગુજરાતને વધુ તબીબો મળી રહે તે માટે વધુ મેડિકલ કોલેજો ઊભી કરવાનો નિર્ણય લેવાતા આજે ૫૫૦૦ જેટલી મેડિકલ સીટો ગુજરાતમાં છે. તેથી આવનાર દિવસોમાં સરકાર હસ્તકની હોસ્પિટલોમાં વધુ તબીબો મળશે તવી આશા છે.

(4:14 pm IST)