ગુજરાત
News of Tuesday, 9th March 2021

નિયત સમયે જ ૨૦૨૨ના અંતમાં ચૂંટણી યોજાશે : વિજયભાઇ રૂપાણી

મુખ્‍યમંત્રીએ વહેલી ચૂંટણીની અટકળોને ફગાવી : મંત્રી રમણ પાટકરે આપેલા નિવેદનને નકારતા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, ચૂંટણી વહેલી યોજાવાની વાતમાં કોઇ તથ્‍ય નથી

ગાંધીનગર,તા. ૯ : ૨૦૨૨ના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વહેલી યોજાવાની છે તેવી અટકળો પર સીએમ રૂપાણીએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. સીએમે આજે જણાવ્‍યું હતું કે, રાજયમાં સમયસર જ ચૂંટણી યોજાવાની છે. રુપાણી સરકારમાં મંત્રી રમણ પાટકરે આ અંગે આપેલા નિવેદનને નકારતા રુપાણીએ કહ્યું હતું કે ચૂંટણી વહેલી યોજાવાની વાતમાં કોઈ તથ્‍ય નથી. રાજયમાં આમ તો વિધાનસભા ચૂંટણી યોજાવાને હજુ બે વર્ષની વાર છે, પરંતુ ગઈકાલે રૂપાણી સરકારના એક મંત્રીએ વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે તેવું એક નિવેદન કરતાં આ અંગે જોરદાર અટકળો શરૂ થઈ હતી. પાટકરે ગઈકાલે વલસાડમાં એવો દાવો કર્યો હતો કે જો પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થઈ તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના અંત પહેલા જ યોજાઈ જશે. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં આ વર્ષે ૨૭ માર્ચથી આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે, અને તેનું પરિણામ ૨જી મેના રોજ આવવાનું છે.

તાજેતરમાં જ રાજયની છ મહાનગરપાલિકાઓની સાથે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે જોરાદર દેખાવ કરતાં મોટી જીત હાંસલ કરી છે. આ ઉપરાંત, ૨૦૨૦માં થયેલી વિધાનસભાની છ બેઠકો પરની પેટાચૂંટણીમાં પણ ભાજપે મોટી જીત હાંસલ કરી હતી. તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં રાજયમાંથી કોંગ્રેસના જાણે કે સૂપડાં જ સાફ થઈ ગયા છે, અને આમ આદમી તેમજ એઆઈએમઆઈએમ જેવી નાની પાર્ટીઓનો ઉદય થતો જોવા મળી રહ્યો છે. તેમાંય આમ આદમી પાર્ટીએ તો સુરતમાં કોંગ્રેસને પણ પાછળ રાખી સૌને ચોંકાવી દીધા છે.

રાજયમાં ૨૦૧૭માં જે વિધાનસભા ચૂંટણી થઈ હતી તેમાં ભાજપનો દેખાવ પ્રમાણમાં ખૂબ જ નબળો રહ્યો હતો અને પક્ષને ૧૦૦થી પણ ઓછી બેઠકો જીતીને સંતોષ માનવો પડ્‍યો હતો. જોકે, ત્‍યારબાદ થયેલી પેટાચૂંટણીઓ ઉપરાંત કોંગ્રેસના નેતાઓને તોડીને ભાજપમાં લાવવાની રણનીતિથી ભાજપનું સંખ્‍યાબળ હાલ વિધાનસભામાં વધીને મજબૂત સ્‍થિતિમાં આવી ચૂક્‍યું છે. જેના કારણે હાલમાં થયેલી રાજયસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને પોતાની અગાઉની બેઠકો ગુમાવવી પડી છે.

(11:44 am IST)