ગુજરાત
News of Tuesday, 9th March 2021

સગીર દિકરી સાથે પ્રેમ સંબંધ :યુવાનની હત્યા કેસમાં સંડોવાયેલી મહિલા આરોપીના કોર્ટે જામીન ફગાવ્યા

આરોપી ગંભીર ગુનામાં સંડોવાયેલા ,જો જામીન આપવામાં આવશે તો સમાજમાં ખોટો સંદેશો જશે

અમદાવાદ :સગીર દિકરી સાથે પ્રેમ સંબંધના કિસ્સામાં 21 વર્ષીય યુવાનની હત્યાના કેસમાં સંડોવાયેલી મહિલા આરોપીના અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન ફગાવવામાં આવ્યા છે. કોર્ટે આરોપી વિભાબેન પરમારના જામીન ફગાવતા નોંધ્યું હતું કે આરોપી ગંભીર ગુનામાં સંડોવાયેલા છે અને જો જામીન આપવામાં આવશે તો સમાજમાં ખોટો સંદેશો જશે. આરોપી અને અન્ય આરોપીઓ યુવાનની હત્યામાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ છે.

સરકારી વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે મહિલા આરોપી સામે IPCની 302, 120(બી) સહિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકારના ગુનામાં મૃત્યુદંડ, આજીવન કેદ સહિત સજાની જોગવાઈ છે. આરોપી CCTV ફુટેજમાં નથી પરંતુ FIRમાં આરોપી સામે ગંભીર આક્ષેપ છે. અરજદાર અને અન્ય આરોપીઓ પર મૃતકને ઇકો કારમાં ખેંચી તેની હત્યા કરવાનો આક્ષેપ છે. જોકે કોને, ક્યારે અને કઈ રીતે હત્યા કરી તેની તપાસ તો ટ્રાયલ દરમિયાન જ થઈ શકશે. આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી અને જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે પૂરાવવા સાથે ચેડાં થવાની શકયતા છે, જેથી આરોપીના જામીન ફગાવી દેવામાં આવે

 

અરજદાર આરોપીના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે ઘટનાના CCTV ફુટેજમાં મહિલા આરોપી દેખાઈ આવતી નથી. આરોપી સામે IPCની 302, 120(બી) સહિતની કલમો પાછળથી ઉમેરવામાં આવી છે. અન્ય આરોપી જે ઇક્કો કારમાં હાજર હતા, તેમણે મૃતકની હત્યા કરી હોઇ શકે. આ સમગ્ર બનાવ અરજદાર મહિલા આરોપી અને તેની સગીર દિકરીના ગયા પછી બન્યો હોવાનો દાવો કર્યો છે. અરજદાર ગાંધીનગર જિલ્લાની વતની છે અને તમામ નિયમોનું પાલન કરશે, જેથી શરતી જામીન આપવામાં આવે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે મૃતક યુવાન અને સગીર વયની દિકરી એક સાથે બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે એક ઇક્કો કારે તેમનો રસ્તો રોક્યો અને યુવાનને ગાડીમાં ખેંચી લીધો અને ત્યારબાદ તેની હત્યા થઈ ગઈ હતી. યુવાનનો શબ પાસે આવેલી કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ શબ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.

(12:40 am IST)