ગુજરાત
News of Monday, 8th March 2021

રાજયમાં IAS તથા IPS ની 30 ટકા કરતાં વધારે જગ્યાઓ ખાલી:313 IAS અધિકારીની જગ્યામાંથી 71 જગ્યા ખાલી અને 23 જણાં ડેપ્યુટેશન પર

રાજયમાં 208 આઇપીએસ અધિકારીઓનું મંજુર મહેકમ;50 જગ્યાઓ ખાલી: ભરાયેલી જગ્યાઓ પૈકી 20 આઇપીએસ અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર

 

અમદાવાદ :રાજયમાં આઇએએસ અને આઇપીએસની 30 ટકા કરતાં વધારે જગ્યા ખાલી હોવાનો ઘટસ્ફોટ વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં થવા પામ્યો છે. રાજયમાં 313 આઇએએસ અધિકારીઓનું મહેકમ મંજુર થયું છે. તે પૈકી 71 જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પૈકી 23 અધિકારીઓ કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર છે. એટલે કે 94 આઇએએસ અધિકારી છે. આમ 30 ટકા કરતાં વધારે સનદી વહીવટી અધિકારીઓની ઘટ છે. સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તથા દિયોદરના ધારાસભ્ય શીવાભાઇ ભૂરિયાના પ્રશ્નનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપ્યો છે

આ ઉપરાંત ધી ઇન્ડિયા પોલીસ સર્વિસ ફીક્સેસન ઓફ કેડર સ્ટ્રેથ રેગ્યુલેશન 1955 મુજબ રાજયમાં 208 આઇપીએસ અધિકારીઓનું મંજુર મહેકમ છે. તેમાંથી 158 જગ્યાઓ ભરાયેલી છે. મતલબ કે 50 જગ્યાઓ ખાલી છે. જયારે ભરાયેલી જગ્યાઓ પૈકી 20 આઇપીએસ અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે. આમ 30 ટકા કરતાં વધારે સનદી પોલીસ અધિકારીઓની ઘટના કારણે રાજયમાં બુટલેગરો માફીયાઓ બેફામ બન્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.Gujarat IAS IPS Vacant

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રાજયમાં આઇએએસ, આઇપીએસ સહિત અન્ય વિભાગોમાં અધિકારીઓનું મંજુર મહેકમ તથા તેની સામે ખાલી જગ્યાઓની વિગતો આજે એટલે સોમવારે જાહેર કરી હતી. આ જાહેર કરાયેલી વિગતો મુજબ સેકશન અધિકારી વર્ગ -2નું સચિવાલય કક્ષાએ 535 જગ્યાઓ મંજુર થયેલી છે. તેની સામે 428 જગ્યાઓ ભરાયેલી છે. અને 107 જગ્યાઓ એટલે કે 25 ટકા જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ પૈકી 25 જગ્યાઓ બઢતીથી અને 9 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની થાય છે. તેમાંય 25 જગ્યાઓ બઢતીથી ભરવાની હોવા છતાં બઢતીથી ભરવામાં આવતી નથી. જેના કારણે સામાન્ય નાગરિકોના પ્રશ્નોની ફાઇલ સચિવાલયમાં વર્ષો સુધી ધૂળ ખાઇ

તેમણે વધુમાં સૌની યોજનાનું કામ નાણાંકીય ઉપલબ્ધિ અનુસાર આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન હોવાનો જવાબ મુખ્યમંત્રીએ 9/12/2019ના રોજ તારાંકિત પ્રશ્નમાં આપેલો હતો. રૂપિયા 10,000 કરોડની સૌની યોજના પાછળ 15,482 કરોડનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. પ્રગતિ હેઠળ અને ટેન્ડર તબક્કાના કામોની બાકી રકમ 1,289 કરોડ છે. આમ સૌની યોજના પાછળ 16,771 કરોડનો ખર્ચ થશે. સૌની યોજનાના બીજા તબક્કાના કામો મહંદઅંશે પૂર્ણ થયું છે. અને ત્રીજા તબક્કાના કામો પ્રગતિ હેઠળ છે. જયારે ચોથા તબક્કાના કામો કયારે શરૂ થશે અને કયારે પૂર્ણ થશે તે નક્કી નથી.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકા ખાતે મે. સ્વાન એલએનજી પ્રા.લી.ને 8/12/2016ના ટર્મિનલ બાંધકામની પરવાનગી તા. 8/12/2020 સુધીમાં કામ પૂર્ણ કરવાની શરતે આપ્યું હતું. કામ સમયસર પૂર્ણ થવાની વાત તો દૂર રહી, હજુ સુધી માંડ 25 ટકા જેટલું જ કામ થયું છે. અને કામ હાલમાં ચાલુ પણ નથી. તેમ છતાં સમયસર કામ પૂર્ણ ન કરવા બદલ કોઇ પગલાં લેવાના બદલે કંપનીની માંગણી મુજબ વાયુ અને ઓખી વાવાઝોડું અને કોવિડ 19ના બહાના તળે 15 મહિનાનો મુદત વધારો કરી આપવામાં આવ્યો છે. હકીકતમાં વાયુ અને ઓખી વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે આવેલું ન હતું. માત્ર ભય દર્શાવવામાં આવ્યો હતો. તે જ રીતે કોવિડ 19માં લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ હોવાથી બે ત્રણ મહિના હોઇ શકે પરંતુ સીધા જ 15 મહિનાની મુદતમાં વધારો આપવામાં આવ્યો છે.Gujarat IAS IPS Vacant

ધાનાણીએ કહ્યં કે, વેરાવળથી વાપીની વચ્ચે અમદાવાદ, વડોદરા અને જેતપુરના આદ્યોગિક એકમોના પ્રદૂષણ દુર કરવા માટે રૂ. 2275 કરોડના અંદાજીત ખર્ચે ડીપ-સી ડીસ્ચાર્જ પાઇપલા યોજના માટે સીઆરઝેડ કલીયરન્સ લેવાનુ થાય છે. તેમ છતાં રાજય કે કેન્દ્ર સરકારને કોઇ દરખાસ્ત કરાઇ નથી. તે કર્યા સિવાય અમદાવાદ અને જેતપુરના આદ્યોગિક એકમો માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ટેન્ડર મંજુર થયા બાદ 36 માસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત ગૈણ સેવા પસંદગી મંડળ દ્રારા બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ -3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ -1 તા. 20/10/2019ના રોજ યોજવામાં આવી હતી. તે પરીક્ષાનું પેપર ફૂટી જવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષામાં 10 લાખ 45 હજાર 442 અરજદારો ભાગ લેવાના હતા. સરકારની અણઆવડતના કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો ભોગ 10 લાખથી વધુ અરજદારો બન્યા હતા

   અમદાવાદ શહેરની 24 કલાક પાણી પુરું પાડવાના પ્રોજેક્ટ અન્વયે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જોધપુર વોર્ડ પસંદ કરવામાં આવ્યો હતો. તેમાં પાઇપલાઇન નાંખવાની અને હાઉસ કનેકશન આપવાની કામગીરી 2019માં પૂર્ણ થઇ છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો અન્ય વોર્ડમાં 24 કલાક પાણી આપવાની જાહેરાતો કરે છે. પરંતુ કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જોધપુર વોર્ડમાં 24 કલાક પાણી પૂરૂ પાડવાના બદલે ધીમા ફોર્સથી માંડ બે કલાક જ પાણી આપવામાં આવે છે.

રાજયના દરિયા કિનારે શીપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવા માટે તા.19-12-2019ના રોજ જૂના બંદર, ભાવનગર ખાતે શીપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ હાલમાં શીપ બિલ્ડીંગ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને ધ્યાનમાં લઇને હાલ પુરતી કામગીરી સ્થગિત રાખવામાં આવ્યું હોવાનું રાજય સરકારે સ્વીકાર્યું હોવાનું જણાવીને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે, આ જવાબ પરથી રાજયમાં વિકાસ અને તેજી છે. મંદીની કોઇ અસર નથી તેવા દાવાઓની પોલ ખુલી ગઇ છે. અને રાજયમાં આવેલ શીપ બ્રેકીંગ, બ્રાસ પાર્ટ, સીરામીક અને ડિઝલ ઉદ્યોગ સહિતના ઉદ્યોગો મંદીના વમળમાં ફસાયા છે.

(12:24 am IST)