ગુજરાત
News of Tuesday, 9th March 2021

વલસાડ ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિન અવસરે મહિલા સન્‍માન કાર્યક્રમ અને કાયદાકીય સેમિનાર યોજાયો

સ્રી સમાજનું સમજદાર પાત્ર છે - વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલ

( કાર્તિક બાવીસી દ્વારા ) વલસાડ: તા. ૮મી માર્ચ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સન્‍માન કાર્યક્રમ અને કાયદાકીય સેમિનાર જિલ્લા કલેકટર આર.આર.રાવલના અધ્‍યક્ષસ્‍થાને ડો. બાબા સાહેબ આંબેડકર હોલ, તાલુકા પંચાયત પાસે, વલસાડ ખાતે યોજાયો હતો.

 આ અવસરે વલસાડ કલેકટર આર.આર.રાવલે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની શુભકામના પાઠવતાં જણાવ્‍યું હતું કે, સ્ત્રીઓને પોતાના ઉત્‍થાન અને અસ્‍તિત્‍વ માટે લડાઈ લડવા બંધારણમાં અધિકારો મળ્‍યા છે. સ્ત્રી સમાજનું સમજદાર પાત્ર છે.સ્ત્રી પોતાના મર્યાદામાં હોય છે, સ્ત્રી પવિત્ર નદી છે, સ્ત્રીમાં શક્‍તિ છે, તેમ જણાવીસ્ત્રીઓ પ્રત્‍યે ખરાબ વિચારોના દૈત્‍યોનું દહન કરી સારા વિચારોનું જતન કરવા અનુરોધ કર્યો હતો. આજેસ્ત્રી સમાજના દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી વિકાસમાં ભાગીદારી કરી રહી છે, જે આનંદની વાત હોવાનું જણાવી.સ્ત્રી વિના સમાજ, કુટુંબ અને ઘરની કલ્‍પના થઇ શકતી નથી. આદિકાળથીસ્ત્રી શક્‍તિ છે તેથી જ તો પુરુષો પહેલાં મહિલાઓના નામ આગળ બોલાય છે, સીતારામ, લક્ષ્મીનારાયણ વગેરે. સ્ત્રીશક્‍તિ એ અનાદીકાળથી છે. તેથી જ દેવ-દેવીઓએ હથિયારો ધારણ કર્યાં છે. મહિલાઓની પડેલી સુષુપ્‍ત શક્‍તિઓને જાગૃત કરી બંધનોમાંથી મુક્‍ત થાય તે જરૂરી છે. જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે જણાવ્‍યું હતું કે, દરેક દિવસ મહિલા દિવસ જ છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ સારું કામ કરી રહી છે. દરેક મહિલાઓ માટે શિક્ષણ ખૂબજ જરૂરી છે.

 નાયબ કલેક્‍ટર જ્‍યોતિબા ગોહિલે મહિલાઓને શુભકામના પાઠવતાં જણાવ્‍યું હતું કે, કોઈ પણ કામ નાનું નથી. તમામ કામ ખુબજ મહત્ત્વના સમજીને કરવા જોઇએ. ઉજ્જવળ ભવિષ્‍ય માટે સારાં સપનાં જોઇ તેને પૂરાં કરી બીજી મહિલાઓને પણ પ્રેરિત કરવા જણાવ્‍યું હતું.વહાલી દીકરી યોજના, દીકરી વધામણા કીટ, મહિલા સ્‍વાવલંબન કીટ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત શિક્ષણ ક્ષેત્ર, વક્‍તૃત્‍વ સ્‍પર્ધા, રમતગમત, શાસ્ત્રીય સંગીત જેવા વિવિધ ક્ષેત્રે જેમણે સિદ્ધિ હાંસલ કરી હોય એવી મહિલાઓનું મહાનુભાવોના હસ્‍તે લાભાર્થીઓને ચેક વિતરણ અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે પોગ્રામ ઓફિસર આઇસીડીએસ શ્રીમતિ જયોત્‍સનાબેન પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમા ઉપસ્‍થિત રહયા હતાં.
મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેષ કણજરીયાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.

(10:03 pm IST)