ગુજરાત
News of Friday, 9th March 2018

રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં નહીવત ફેરફાર

અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રીઃ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ મહત્તમ તાપમાનમાં વધારો

અમદાવાદ,તા. ૯ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૩૭થી ઉપર પહોંચ્યો હતો જેમાં ઇડરમાં મહત્તમ તાપમાન ૩૭.૬, અમરેલીમાં ૩૭.૧, સુરેન્દ્રનગરમાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬.૨ અને લઘુત્તમ તાપમાન ૧૯.૮ સુધી પહોંચ્યું હતું. બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. એકબાજુ પાણીની તકલીફ પહેલાથી જ અનુભવાઈ રહી છે ત્યારે આ વખતે ગરમી વધુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં આવતીકાલે શુક્રવારના દિવસે ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે અને પારો ૩૬ સુધી રહી શકે છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. આવતીકાલે અમદાવાદમાં પારો ૩૬ની આસપાસ રહી શકે છે. હાલમાં બે ત્રણ દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. આજે વડોદરામાં પારો ૩૬.૬ સુધી પહોંચ્યો હતો જ્યારે નલિયામાં ૩૧.૬, ભુજમાં ૩૬.૪, મહુવામાં ૩૫.૪, અમરેલીમાં ૩૭.૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું. બીજી બાજુ મહત્તમ તાપમાનમાં અમદાવાદમાં પણ વધારો થઇ રહ્યો છે. ગાંધીનગરમાં આજે પારો મહત્તમ તાપમાનમાં ૩૫.૫ ડિગ્રી રહ્યું હતું. બેવડી સિઝનના પરિણામ સ્વરુપે હાલ સાવચેતી રાખવાની સલાહ નિષ્ણાંત લોકો આપી રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મિશ્ર સિઝન વચ્ચે હવે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તમામ જગ્યાઓ ઉપર હવે પંખા અને એસીનો ઉપયોગ થવા લાગી ગયો છે. હાલમાં નિચલી સપાટી પર ઉત્તર-પશ્વિમી પવનો ફુકાઈ રહ્યા છે.

(10:16 pm IST)