ગુજરાત
News of Friday, 9th March 2018

અકસ્માતની સંભાવનાવાળા ૮૩ બ્લેક સ્પોટ ઓળખાયા

માર્ગ અકસ્માતોને રોકવા જુદા જુદા પગલા લેવાયાઃ સ્થળો પૈકી ૬૯ સ્થળો પર ટેકનિકલ સુધારાઓ કરવામાં આવતા અકસ્માતોની સંખ્યા ૬૮૩થી ઘટીને ૮૫ નોંધાઈ

અમદાવાદ,તા.૯ : ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા ગુજરાત ટ્રાફિક ઉપદ્રવ નિવારણ અને નિયંત્રણ બાબતનું બિન સરકારી વિધેયક-૨૦૧૮ રજુ કરતા તેના ઉપરની ચર્ચામાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે અકસ્માતની ઘટનાને કારણે સર્જાતા ભયાનક દ્રશ્યોમાં જોવા મળતી વ્યથા, સંવેદનાને વિધેયક સ્વરૂપુે વ્યવસ્થામાં પરિવર્તીત કરવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ વિધાયક દ્વારા રજુ કરવામાં આવ્યો છે. માર્ગો ઉપર સર્જાતા અકસ્માતોને કારણે માનવ જીંદગીઓ મોતના મુખમાં હોમાતી બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા હાલના બજેટ સત્ર દરમ્યાન ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી બીલ-૨૦૧૮ દાખલ કરી ગુન્હાહીત રીતે વાહનો હંકારનારા તથા નિયમોનો ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં હાલમાં ૨.૩૦ કરોડ જેટલા વાહનો નોંધાયેલા છે. તેમાં પ્રતિ વર્ષ ૭ થી ૮ ટકાનો વધારો થઈ રહ્યો છે. રાજ્યની વસ્તીમાં છેલ્લા દસકામાં ૯૭ લાખનો વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતોના કારણોની વિશ્લેષણના આધારે અકસ્માતના સંભવીત વિસ્તારો આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન કુલ-૮૩ જેટલા બ્લેક સ્પોટ નક્કી કરી ટેકનીકલ એરર દુર કરી ત્યાં માર્ગ સલામતીના સઘન તકેદારીના પગલા લઈ ૬૩ જેટલા બ્લેક સ્પોટ રેકટીફાઈ કરવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્પોટ ઉપર અકસ્માતોની સંખ્યા ૬૮૩ હતી તે ઘટીને ૮૫ થઈ હતી એટલે કે અકસ્માતોની સંખ્યામાં ૫૯૮ જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ગૃહ રાજયમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે માર્ગ અકસ્માતોની ઘટનાઓ બનતી અટકે તે માટે ટ્રાફિક નિયમન તંત્રને સુસજ્જ બનાવવા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં માર્ગ સુરક્ષા નીધિ માટે ૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં માનદ વેતનથી ફરજો બજાવતા ટ્રાફિક બ્રિગેડનું મહેકમ કે જે ૭૨૪૭ હતું તે વધારીને ૧૦ હજાર કરવા તથા તેમાં ૩૩ ટકા લેખે મહિલા ટ્રાફિક  બ્રિગેડની પણ માનદ વેતનથી સેવા લેવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડનું માનદ વેતન ૨૦૦થી વધારીને ૩૦૦ કરવામાં આવશે. વાહન હંકારનારાઓ ટ્રાફિક નિયમોનું સખ્તાઈથી પાલન કરે તે માટે વિવિધ પ્રકારે નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી વર્ષ ૨૦૧૩માં ૫૦ કરોડ દંડ પેટે વસુલવામાં આવ્યા હતા. ૨૦૧૭માં ૮૪ કરોડ દંડકીય વસુલાત કરવામાં આવી છે.

(10:18 pm IST)