ગુજરાત
News of Friday, 9th March 2018

ખારેક પકવતા ખેડૂતોને ૨૩ લાખની સહાયતા

યુએઇ અને ઇરાનથી રોપાની આયાત

અમદાવાદ,તા.૯ : કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું છે કે, બાગાયત પાકો થકી કિસાનો સદ્ધર થાય તે માટે રાજ્યસરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં ખારેક પકવતા ખેડુતોને અદ્યતન પદ્ધતિથી પાક લેવા માટે આપવામાં આવેલ માર્ગદર્શનના પરિણામે કચ્છની ખારેક આજે દેશ-વિદેશમાં પહોંચી છે. કચ્છની ખારેકનું અને દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, હૈદ્રાબાદ ખાતે પણ પુષ્કળ વેચાણ થઈ રહ્યું છે. વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં ખારેકના વાવેતરમાં સહાય અંગે પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, કચ્છ જિલ્લામાં ખારેક પકવતા ખેડુતોને ૨૩.૧૪ લાખની સહાય અપાઈ છે. ખેડુતોને વધુ ઉત્પાદન મળે તે માટે ઈઝરાયલ તથા કેન્દ્ર સરકારના સહયોગથી ભુજ તાલુકાના ઉપમા ખાતે સેન્ટર ફોર એકસેલન્સનું ૪૫૦ લાખના ખર્ચે નિર્માણ કરાયું છે. જેમાં ગુણવત્તાયુક્ત ખારેક ઉત્પાદન માટે માર્ગદર્શન, વ્યવસ્થાપન તાલીમ ડ્રીપ ઈરીગેશન તથા ઓટોવેધરની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાઈ છે. જેનાથી ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે ટીસ્યુકલ્ચર પદ્ધતિથી ખેતી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ વધુ ઉત્પાદન માટે વિદેશમાંથી રોપાની આયાત કરાય છે જે યુએઈ અને ઈરાનથી આયાત કરવામાં આવે છે. અન્ને ઉલ્લેખનીય છે કે, ટીસ્યુકલ્ચર પદ્ધતિથી ખારેકના ઉત્પાદન માટે એક હેકટરમાં ૧૨૫ રોપાઓનું વાવેતર થાય છે. પ્રતિવર્ષ ખેડુતોને ૩.૫૨ લાખનું ખર્ચ થાય છે. રોપાનું વાવેતર બાદ સાત વર્ષ પછી પ્રતિ હેકટરે ૧૨ થી ૧૩ મે.ટન ઉત્પાદન થાય છે અને પ્રતિ કિલોના ભાવે ખારેક ૩૦ના ભાવે વેચાણ થાય છે.

 

(10:09 pm IST)