ગુજરાત
News of Friday, 9th March 2018

માર્ગ સુવિધા, પુલ નિર્માણમાં ગુજરાત અગ્રેસર છેઃ સરકાર

જુદી જુદી કામગીરી માટે ૧૭૧૦ કરોડની જોગવાઈઃ ગુજરાત વિધાનસભામાં માર્ગ મકાન વિભાગની ૯૨૫૨ કરોડની અંદાજપત્રીય માંગણી આખરે મંજુર કરી દેવાઈ

અમદાવાદ,તા.૯ : નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગના મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના સર્વાંગી વિકાસમાં માર્ગ-મકાન સુવિધાઓનો ફાળો મહત્વનો છે. જેમાં માર્ગ સુવિધા, પુલો અને આંતરમાળખાકીય સવલતોના નિર્માણ થકી ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. જે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી આયોજન અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયસર અમલીકરણને આભરી છે. આજે ગુજરાત વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગની ૯૨૫૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, મહાનગરોને જોડતા માર્ગોને પહોળા કરવા, માર્ગ સુધારણા તથા પુલોના નિર્માણ માટે અંદાજપત્રમાં ૨૨૭૨ કરોડની જોગવાઈ આ વર્ષના અંદાજપત્રમાં કરાઈ છે. સાથે સાથે રાજ્ય ધોરીમાર્ગ પર અગત્યના જંકશન પર ફલાય ઓવર-અંડર પાસ બાંધવા માટે ૮૦૪ કરોડની યોજના જાહેર કરી છે. તે માટે ૭૯.૫૦ કરોડની જોગવાઈ કરી છે. એ જ રીતે પંચાયત હસ્તકમાંથી રાજ્ય વિભાગને તબદીલ થયેલા મુખ્ય જિલ્લા માર્ગોને પહોળા તેમજ મજબુત કરવા ૧૦૭૨ કરોડની યોજના બનાવી છે. તે માટે ૧૦૭ કરોડની જોગવાઈ કરાઈ છે. સાથે સાથે રાજ્યના કોર નેટવર્કમાં સમાયેલ રસ્તાઓનું રોડ સેફટી ઓડીટ કરાવી સુધારાત્મક કામગીરી કરવા માટે ૫૪૫ કરોડની યોજના માટે ૧૬ કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્યના નાગરિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે રાજ્ય સરકારે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે તેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ પર કાર, જીપ, રાજ્ય પરિવહન નિગમની બસોને ટોલટેક્સ ભરવામાંથી વર્ષ ૨૦૧૬થી મુક્તિ આપી છે. જે હેઠળ અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા ૨૦૦ કરોડની રાહત આપી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના ૧૭,૪૮૩ ગામો તથા ૧૬,૪૦૨ પરાઓમાં માર્ગ સુવિધા માટે મુખ્યમંત્રી ગ્રામ કડક યોજના ગત વર્ષથી અમલી બનાવી છે તે માટે ૨૮૦૯.૧૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના ગામડાઓને આંતરિક પેટાપરા, ફળિયા સાથે જોડવા માટે નોન પ્લાન રસ્તાઓને પાકા ડામરના રસ્તા કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં અંદાજે ૪૦૪૯ કરોડના ૮૩૪ કિ.મી લંબાઈના ૮૪ રસ્તાઓને પહોળા કરવાના ભાગરૂપે ચાર-છ માર્ગીય કરણના કામો હાથ ધરાયા હતા તે પૈકી ૧૫૦ કરોડના રાજકોટ-ભાવનગર રોડ સહિત અન્ય ચાર માર્ગોના કામોનો સમાવેશ કરાયો છે. સાથે સાથે ૩૮૨ કરોડના રાજકોટ-મોરબી, પાલનપુર-દાંતા-અંબાજીના ૧૭૨ કરોડના ૧૪૭.૧૩ કરોડના ગોઝારીયા-વિસનગર-ખેરાલુ-દાંતા અને ૧૨૨ કરોડના નડિયાદ-ડાકોર-પાલીના ચાર માર્ગીયકરણ કરવાના કામો પ્રગતિમાં છે અને આગામી વર્ષ ૪૫૦ કરોડના ૭ કામો હાથ ધરાશે. એ જ રીતે વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૧૩૧૧ કિ.મી લંબાઈના રસ્તાઓ ૧૦ મીટર પહોળા કરવાના કામો ૨૦૪૫ કરોડ જેટલી રકમના ખર્ચે હાથ ધરાયા તે પૈકી ૩૪૯ કિ.મી લંબાઈના રસ્તાના કામો ૫૪૧ કરોડના ખર્ચે પૂર્ણ થયા છે. જ્યારે ૯૭૧ કિ.મીના કામો પ્રગતિ હેઠળ છે. 

(10:05 pm IST)