ગુજરાત
News of Friday, 9th March 2018

પોલીસને શંકા ન જાયતે માટે દારૂની હેરાફેરીમાં રૂ.૮ હજારના પગારમાં મહિલાને નોકરીએ રાખી‘તી

સુરતઃ દારૂના ધંધાર્થીઓ ગમે તેમ કરીને દારૂનો વ્યવસાય કરી લે છે ત્યારે સૂરતમાં એક મહિલાને રૂ.૮ હજારનો પગાર આપીને દારૂની હેરાફેરીમા ઉપયોગ કરાતો હોવાનું ખુલ્યુ છે

સરથાણા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કર્મી હરિ દેવીદાસને મળેલી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી સીમાડા નહેર, હરેકિષ્ણા વિલેજ નામની હોટલ પાસેથી એસન્ટ કાર પકડી પાડી તેમાં તલાશી લેતા ઇંગ્લિશ દારૃની બોટલો અને બિયરના ટીન મળી કુલ રૃા.૪૫,૮૫૦નો દારૃ મળી આવ્યો હતો. પોલીસે દારૃ, મોબાઇલ અને કાર મળી રૃા.૧.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં સવાર મહેશ નાગજી માંગરોળિયા (રહે- ઓમ ટાઉનશીપ, પાસોદરા, કામરેજ- મૂળ અમરેલી) અને અરુણાબેન જશમતભાઇ જીવાણી (રહે- કરુણાનિધિ રેસિડેન્સી, યોગીચોક, સરથાણા)ની ધરપકડ કરી દારૃના સપ્લાયર સરથાણાના વિપુલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહેશ સાડીનો વેપારી છે. ધંધામાં ૧૫-૨૦ લાખનું દેવું થઇ જતા મહિના પહેલાં જ દારૃના વેપલામાં ઝંપલાવ્યું હતું. દારૃની હેરાફેરીમાં પોલીસને શંકા નહિ જાય તે માટે તેને અરુણાબેનને દમણથી સુરત દારૃ લાવવામાં આવે ત્યારે કારમાં સાથે બેસવા માટે નોકરીએ રાખી હતી. જે માટે ૮ હજારનો પગાર નક્કી થયો હતો. સરથાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(8:28 pm IST)