પલસાણાના કડોદરામાં પિતાએ જીદ પુરી ન કરતા ધો.ની વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું
પલસાણા:તાલુકાના કડોદરા ખાતે નંદનવન રેસીડન્સીમાં રહેતી ધો. ૯ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું. વિદ્યાર્થિનીએ પિતા સાથે જન્મ દિવસ માટે નવા કપડા લેવાની જીદ કર્યા બાદ અંતિમ પગલું ભર્યું હતું.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર કડોદરા ખાતે નંદનવન રેસીડન્સીમાં બાબુભાઇ દુધાભાઇ પરમાર પરિવાર સાથે રહે છે. બાબુભાઇની દિકરી ત્રીશા (ઉ.વ. ૧૫) કડોદરા ખોતે ધો. ૯માં અભ્યાસ કરતી હતી. ત્રીશાનો આગામી તા. ૧૩મી માર્ચે જન્મ દિવસ હતો. બે દિવસ અગાઉ ત્રીશાએ પોતાના પિતા પાસે જન્મદિવસ માટે નવા કપડા ખરીદવાની જીદ કરી હતી. પિતાએ નવા કપડા થોડા દિવસ પછી લઇશું તેમ કહેતા તે જ દિવસે કપડા લેવાની જીદ કરતી ત્રીશાએ મનમાં લાગી આવતા ગતરોજ સાંજે ઘરમાં મુકેલી મચ્છર મારવાની દવા પી લીધી હતી. ત્રીશાને ચલથાણ સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ત્રીશાનું મોત નીપજતા તબીબની વર્દી આધારે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.