ગુજરાત
News of Friday, 9th March 2018

સયાજીગંજમાં મિલકત વેરો ન ભરનાર લોકોની મિલકત કોર્પોરેશને સીલ કરી

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરાના લક્ષ્યાંકને પૂરો કરવા માટે વેરો નહીં ભરનાર લોકોની મિલકતો સીલ કરવાનું શરૃ કરાયું છે, જેમાં આજરોજ સયાજીગંજ વિસ્તારમાં હુક્કાપાર્લર 'હુક્કાવર્લ્ડ'ને સીલ કરી દેવામાં આવ્યું હતું.

મ્યુનિ.કોર્પોરેશનના વોર્ડના અધિકારીઓ સવારે ૭ વાગ્યે સયાજીગંજ વિસ્તારમાં શોભનમ કોમ્પલેક્સ ખાતે પહોંચ્યા હતા. જ્યાં હુક્કાપાર્લર - હુક્કાવર્લ્ડને સીલ મારી દેવાયું હતું. કોર્પોરેશને કોમ્પલેક્સમાં ઉપર એક અને નીચે એક એમ બે સ્થળે સીલ માર્યા હતા. કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યુ હતું કે ૨૦૦૪થી હુક્કાપાર્લરનો વેરો આશરે રૃા.૪.૭૩ લાખ ભરવાનો બાકી છે અને તે વસૂલ કરવા સીલ મારવાની કાર્યવાહી કરી નોટિસ ચોંટાડી દેવાઇ હતી. જેમાં કોર્પોરેશનનું સીલ ખોલી શકાશે નહી તેવી સ્પષ્ટ સૂચના આપી છે.

કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આજે ૫૨૧ કોમર્શિયલ મિલકતો સીલ કરી હતી અને રૃા.૧.૧૪ કરોડની વસૂલાત કરી હતી. કોર્પો.એ આજ વોર્ડ નં.૫, ૭ અને ૮માં ૧૨૧ સીલ માર્યા હતા. આજે જે વસૂલાત કરી છે તેમાં રૃા.૮૪.૧૯ લાખ મિલકત વેરાના, રૃા.૧૯.૩૯ લાખ પ્રોફેશન ટેક્સના, રૃા.૬.૫૦ લાખ વ્હીકલ ટેક્સના અને રૃા.૪.૬૪ લાખ પાણી ટેક્સના છે. કોર્પોરેશનને ચાલુ નાણાંકીય વર્ષનો રૃા.૪૩૧ કરોડનો ટાર્ગેટ છે અને અત્યાર સુધીમાં રૃા.૪૧૧ કરોડની વસૂલાત થઇ ચૂકી છે. હવે ૨૧ દિવસ બાકી રહ્યા છે અને આશરે રૃા.૨૦ કરોડની વસૂલાત કરવાની છે.

(5:58 pm IST)