ગુજરાત
News of Thursday, 8th March 2018

મોગરીમાં જૂની અદાવતની રીસ રાખી બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

આણંદ: નજીક આવેલા મોગરી ગામે અગાઉ થયેલા ઝઘડાની અદાવતને લઈને ફરીથી દલિત અને દરબાર કોમના શક્સો વચ્ચે હિંસક મારામારી થતાં બેને ગંભીર ઈજાઓ થવા પામી છે. વિદ્યાનગર પોલીસે આ અંગે બન્નેની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે.
મોગરી ગામે રહેતા દિપકભાઈ કલ્યાણભાઈ રોહિતે આપેલી ફરિયાદમં જણાવ્યું છે કે, અગાઉ જગદીશભાઈ પરમાર અને તેમના પરિવારજનો વચ્ચે હિંસક મારમારી થઈ હતી જેમાં ફરિયાદો થતાં તેમાં જગદીશભાઈ પરમાર તથા અન્યો ક્ષત્રિય સેનાના નામે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરતા હતા અને આ બાબતે ધમકાવતા હતા. એકાદ મહિના પહેલાં અજીતભાઈ કાંતિભાઈ ચાવડા નોકરી પર જતો હતો ત્યારે તેને પણ રસ્તા વચ્ચે અટકાવીને ધમકીઓ આપી હતી. દરમ્યાન આજે બપોરના બે વાગ્યાના સુમારે દિપકભાઈ ગામની ભાગોળેથી જતો હતો ત્યારે જગદીશભાઈ મગનભાઈ પરમાર, મુકેશ ઉર્ફે ભાથી રમણભાઈ ગોહેલ, સંજયભાઈ મફતભાઈ પરમાર, મનીષભાઈ અશોકભાઈ પરમાર, જયેશભાઈ અશોકભાઈ પરમાર, મુન્નાભાઈ રમણભાઈ પરમાર આવી ચઢ્યા હતા અને જ્ઞાતિ વિરૂધ્ધ અપશબ્દો બોલીને ગળુ દબાવી દીધું હતુ જેથી શ્વાસ રંધાઈ જતાં તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેના ખિસ્સામાંથી રોકડા ૩૦ હજાર લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દોડી આવેલા ઘરના સભ્યોએ દિપકભાઈના ચહેરા ઉપર પાણી છાંટીને ભાનમાં લાવ્યા હતા.
સામા પક્ષે હર્ષદ ઉર્ફે જગદીશભાઈ મગનભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તે ભાઈના ઘરે જઈને છોટા હાથી ટેમ્પો તથા બાઈકનો હપ્તો ભરવાનો હોય ૩૦ હજાર રૂપિયા લઈને ઘર તરફ જતો હતો ત્યારે ભાગોળે પકા રીક્ષાવાળાનો છોકરો કીંજલ, ભદીયો ઉર્ફે વીરલ દિનેશભાઈ, વીકી નગીનભાઈ, અજીતભાઈ કાંતિભાઈ, અંકિતભાઈ ભાનુભાઈ ચૌહાણ તથા ભાવીન દિપકભાઈ બેટ, સ્ટમ્પ, ડંડા તથા ધારીયું લઈને ઉભા હતા અને અગાઉના ઝઘડાની રીસ રાખીને આજે તો પુરો જ કરી નાંખો તેમ જણાવીને ગમેતેવી ગાળો બોલીને તૂટી પડ્યા હતા. જેમાં અજીતે માથામાં ધારીયું મારી દેતા તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. ત્યારબાદ તેના ખિસ્સામાંથી રોકડા ૩૦ હજાર લૂંટીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા જગદીશભાઈને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે.

(6:07 pm IST)