ગુજરાત
News of Thursday, 8th March 2018

વિશ્વ મહિલા દિવસના પ્રસંગે કેટલાક કાર્યક્રમનુ આયોજન

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા ઉજવણી : મહિલાઓએ ગુલાબનું વિતરણ કરી અને મોં મીઠુ કરાવી મહિલા દિવસની ઉજવણી કરી : મહિલા રેલી પણ યોજાઇ

અમદાવાદ,તા. ૮ : આજે વિશ્વ મહિલા દિન હોઇ ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓને કેન્દ્રમાં રાખીને અનેકવિધ કાર્યક્રમો અને ઉજવણીનું આયોજન કરાયું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય) દ્વારા વિશ્વ મહિલા દિન નિમિતે આજે મહિલા જાગૃતિ અભિયાન અને જાગો મહિલા જાગો, સરકારને જગાડો સહિતના અનોખા કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી.ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય) દ્વારા આજે બપોરે ૧૨-૩૦થી ૨-૩૦ દરમ્યાન ભદ્ર ખાતે આયોજિત વિશ્વ મહિલા દિનની આ અનોખી ઉજવણીમાં સેંકડો મહિલા ગ્રાહકો અને સમાજની વિવિધ ક્ષેત્રની નામાંકિત બહેનો-મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે મહિલાઓએ ગુલાબના ફુલ વિતરણ કરી, મોં મીઠુ કરાવી મહિલા દિનની ઉજવણી કરી હતી. સાથે સાથે કાર્યક્રમ દરમ્યાન મહિલાલક્ષી બેનરો, પ્લેકાર્ડની સાથે સાથે મહિલા જાગૃતિ અંગેની દસ હજાર જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે આજ મુજબની માહિતી આપી હતી.આજે મહિલા દિનની ઉજવણી દરમ્યાન ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખના નેજા હેઠળ સેંકડો મહિલાઓ દ્વારા ભદ્ર બજાર અને લાલદરવાજા અપના બજાર વિસ્તારમાં સરઘસાકારે  કૂચ કાઢવામાં આવી હતી.અને અન્ય મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી મહિલાઓને સમાજમાં નિર્ભિક બનાવવા, અન્યાય અને શોષણ સામે અવાજ ઉઠાવે તે માટે તેમને ફરિયાદ ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ અને તે ફરિયાદો એકત્રિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે, મહિલાઓને ઝડપી અને અસરકારક ન્યાય માટે સરકારે વધુ ફાસ્ટ ટ્ર્ેક કોર્ટોની રચના કરી છ મહિનામાં જ તેઓને ન્યાય અપાવવો જોઇએ., મહિલાઓની જાતીય સતામણી કરનારા રાજકીય પક્ષોના કાર્યકરો કે નેતાઓને ચૂંટણીમાં ટિકિટ આપવી જોઇએ નહી અને તેઓને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવવા જોઇએ, મહિલાઓને સમાન કામ, સમાન વેતન, વિદ્યાર્થીનીઓ માટે પ્રિપ્રાયમરીથી સ્નાતક સુધીના ઉચ્ચ શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી, મહિલાઓને સ્વરોજગાર માટે અને આર્થિક પગભર થવા માટે પાંચ લાખ સુધીની વગર વ્યાજની લોન અને રાજયના તમામ શહેરોમાં જિલ્લા-તાલુકાઓમાં મહિલા બેંકની રચના સહિતના મહિલાલક્ષી નિર્ણયોની અમલવારી સરકારે કરવી જોઇએ. તદુપરાંત, મહિલાઓની છેડતી કરનારા તત્વોને તાત્કાલિક જેલભેગા કરવા, પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં એન્ટી રોમિયો સ્કવોડની રચના કરવા સહિતની માંગણીઓ પણ સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, મહિલા ઉદ્યોગ સાહસિકોને સંપૂર્ણ પ્રોત્સાહન આપવા, તાલીમ આપવા તેમ જ સરકારી, અર્ધસરકારી અને કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓમાં નોકરીઓમાં ૨૫ ટકા આરક્ષણ આપવા સરકારે કાયદો બનાવવો જોઇએ. સરકારે અને ગ્રાહક ફોરમોમાં ફરિયાદી મહિલાઓ અને સિનિયર સીટીઝન મહિલાઓની ફરિયાદના ઉકેલને સર્વોચ્ચ અગ્રીમતા અપાવી જોઇએ અને તેઓને કોર્ટ કેસોના માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટના વળતર પેટે ઓછામાં ઓછા રૂ.૨૫ હજારની જોગવાઇ કરવી જોઇએ. આજે  વિશ્વ મહિલા દિનની ઉજવણી દરમ્યાન કાર્યક્રમમાં ભાગ લેનાર મહિલાઓને સીજી રોડ, નવરંગપુરા સ્થિત સેન્ટર ફોર સાઇટ આંખની હોસ્પિટલ દ્વારા આંખોનં ચેક અપ સંપૂર્ણ ફ્રી કરી આપવા અંગેની કુપનોનું પણ વિતરણ કરાયુ હતુ. જે તા.૮ માર્ચથી  મહિના સુધી બહેનો આ કુપન પર ફ્રી લાભ લઇ શકશે.

(12:58 pm IST)