ગુજરાત
News of Thursday, 8th March 2018

હિંદૂ ધર્મ સિવાય અન્ય ધર્મ સ્વીકારનાર મહિલાને મળશે મિલ્કત

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો

અમદાવાદ તા. ૮ :  ગુજરાત હાઈકોર્ટના જજોની બેંચે હિંદૂ સિવાયના ધર્મમાં લગ્ન કરનારી મહિલાઓ માટે મહત્વનો ચૂકાદો આપ્યો. હાઈકોર્ટના ચૂકાદા પ્રમાણે અન્ય ધર્મમાં લગ્ન કરનારી હિંદૂ મહિલા હિંદૂ સકસેશન એકટ પ્રમાણે તેના હિંદૂ પિતાની મિલકતમાંથી ભાગ મેળવવા હકદાર છે.

 

ઈસ્લામ ધર્મનો અંગીકાર કરનારી મહિલાના વકીલે કોર્ટના ચૂકાદા અંગે માહિતી આપી. વકીલ ધ્રુવ દવેએ જણાવ્યું કે, ચીફ જસ્ટીસ આર. એસ. રેડ્ડી અને જસ્ટીસ વી.એમ. પંચોલીની ડિવિઝન બેંચે સિંગલ જજની બેંચે આપેલા ચૂકાદાને યોગ્ય ગણાવ્યો. અને ચૂકાદાને પડકારતી અરજીને રદ કરી.

 

વડોદરાના વેમાલી ગામની નૈના ઉર્ફે નસીમબાનુ ફિરોઝખાન પઠાણે ૧૯૯૧માં હિંદૂ ધર્મ ત્યાગી મુસ્લિમ ધર્મનો અંગીકાર કરી ફિરોઝખાન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૦૪માં તેના પિતાનું નિધન થયું. નસીમબાનુના પિતાની મિલકતમાં ગામની કેટલીક જમીન હતી. પિતાની મિલકત પર નસીમબાનુએ દાવો કરતાં તેના ભાઈ-બહેને વિરોધ કર્યો. અને મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હોવાથી મિલકત મેળવવાની હકદાર ન હોવાનું જણાવ્યું.

નાયબ કલેકટરે મુસ્લિમ મહિલા મિલકતમાં હિસ્સેદાર હોવાનું કહ્યું. પરંતુ જિલ્લા કલેકટર અને સ્ટેટ રેવન્યૂ સેક્રેટરીએ નિર્ણયને પલટી નાખ્યો. અને નૈનાએ ઈસ્લામ સ્વીકાર્યો હોવાથી હિંદૂ ધર્મ મુજબ આવતી વારસાગત મિલકત મેળવવાની હકદાર ન હોવાનો ચૂકાદો આપ્યો.

બાદમાં મહિલા જયારે હાઈકોર્ટમાં અરજી કરી ત્યારે જસ્ટીસ જે. બી. પારડીવાળાએ તેની તરફેણમાં ચૂકાદો આપ્યો. આ ચૂકાદાને મહિલાના ભાઈ-બહેને ડિવિઝન જજની બેંચ સમક્ષ પડકાર્યો. ડિવિઝન જજોની બેંચે સિંગલ જજના ચૂકાદાને સાચો ઠેરવતાં નિર્ણય આપ્યો કે, ધર્મ બદલવાથી મહિલા તેના હિંદૂ પિતાની મિલકતમાંથી ભાગ મેળવવાનો હક ગુમાવતી નથી.

જો કે, હાઈકોર્ટે સ્પષ્ટતા કરી કે નૈના ઉર્ફે નસીમબાનુના બાળકો આ વારસાગત મિલકત પર દાવો ન કરી શકે. હિંદૂ પિતાની સંપત્ત્િ।માંથી ભાગ મેળવવાનો હક માત્ર નસીમબાનુ સુધી જ મર્યાદિત રહેશે.(૨૧.૯)

(8:48 pm IST)