ગુજરાત
News of Thursday, 8th March 2018

રાજ્યના બહારના ગુનાઓને પણ ઉકેલી દેવામાં આવ્યા છે

એફએસએલની ઉલ્લેખનીય કામગીરી રહી છેઃ અતિ આધુનિક પદ્ધિતીના કારણે ગુનાઓના ભેદ ઉકેલાયા

અમદાવાદ,તા.૭: અત્યાધુનિક પદ્ધતિથી ગુંચવાડાભર્યા ગુન્હાઓનો ઉકેલ લાવવામાં ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અગ્રેસર રહી છે. સાયબર ક્રાઈમના ઉકેલ માટે અદ્યતન ટેકનોલોજી, સાયકોલોજીકલ પરીક્ષણ, લેયર્ડ વોઈસ એનાલીસીસ સહિતની અદ્યતન સુવિધાઓ વડે રાજ્ય  અને રાજ્ય બહારના વિવિધ ગુન્હાઓના ઉકેલમાં સહાય મેળવવામાં આવી છે, એમ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. ૧૪મી વિધાનસભા પ્રશ્નોતરી કાળ દરમિયાન પુછાયેલા વિવિધ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુન્હાઓના ઉકેલ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર દ્વારા અત્યાધૂનિક પદ્ધતિ અપનાવવામાં આવી છે. દિનપ્રતિદિન સાયબર ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાયબર ક્રાઈમ સંબંધિત ગુન્હાઓ ઉકેલમાં એફએસએલ અગ્રેસર રહ્યું છે. અહીં માલવેરના પૃથ્થકરણ માટે સીસ્ટમ, પાસવર્ડ રીકવરી કરવાની ટેકનોલોજી, મોબાઇલ ફોનના પૃથ્થકરણ માટેની સીસ્ટમ, ઈન્ટરનેટના માધ્યમથી આચરેલ ગુન્હાના ઉકેલ માટેની સીસ્ટમ, સીડી ડીવીડીના પૃથ્થકરણ માટેની સીસ્ટમ, વિવિધ પ્રકારના કોમ્પ્યુટર સ્ટોરેજ ઉપકરણોનું પૃથ્થકરણ કરવા માટેની ટેકનોલોજી, વીડિયો એન્હાસ કરવા માટેની સીસ્ટમ દ્વારા ગુંચવાડાભર્યા અનેક કેસોના ઉકેલ લાવવામાં સફળતા મળી છે. ઓછી ગુણવત્તાવાળા સીસીટીવી ફુટેજમાંથી વ્યક્તિના ધુંધળા ચહેરા અને વાહનના નંબર પ્લેટને સુસ્પષ્ટ કરવા માટે અત્યાધૂનિક સોફટવેર તથા હાર્ડવેર ધરાવતી વીડિયો ફૂટેજ એન્હાન્સમેન્ટ ટેકનોલોજીનો પોલીસ વિભાગ દ્વારા મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. સાયકોલોજીકલ પરીક્ષણો માટે બ્રેઈલ ઈલેકટ્રીકલ ઓસીલેશન સિગ્નેચર ફાઇલીંગ, પોલિગ્રાપ, સસ્પેક્ટ ડિટેક્શન સીસ્ટમ, લેયર્ડ વોઇસ એનલાઇઝર અને નાર્કો એનાલીસીસ ટેકનોલોજી ઉપલબ્ધ છે. જ્યારે લેયર્ડ વોઈસ એનાલીસીસ પદ્ધતિથી છેલ્લા બે વર્ષમાં ૯૩ કેસોનું પૃથ્થકરણ ડીએનએ પદ્ધતિથી ૧૮૦૨ કેસોનું કરવામાં આવ્યું છે. ડેમેજ હાર્ડડીસ્કમાંથી ડેટા મેળવવાની અત્યાધુનિક ટેકનોલોજીથી ૧૨ કેસોના ઉકેલ માટે સહાયતા પ્રાપ્ત થઈ છે. આર્થિક ગુન્હાઓના નિવારણ માટે અહીં અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે તે પૈકી ચલણી નોટોના પૃથ્થકરણની લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ૭૩ કેસોમાં સહાય કરવામાં આળી છે.

(9:14 am IST)