ગુજરાત
News of Friday, 9th February 2018

અમ્યુકો બજેટ : વિપક્ષે વિકાસ કાર્યોના જરૂરી સુધારા સૂચવ્યા

વિપક્ષની માંગણી શાસકપક્ષ ફગાવે તેવી શકયતા : ૧૫૧ કરોડના સુધારા સુચવ્યા પણ બોર્ડ બેઠકમાં ફગાવાય તેવી વકી : ધાર્મિક સ્થાન વિકાસ માટે ૨૦ કરોડની માંગ

અમદાવાદ,તા. ૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ માટે સ્ટેન્ડીંગ કમીટીએ રજૂ કરેલા રૂ.૬૯૯૦ કરોડના બજેટમાં મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસે આજે કુલ રૂ.૧૫૧ કરોડના વિકાસ કામો સાથેના સુધારા સૂચવ્યા છે પરંતુ શાસકપક્ષ ભાજપ દ્વારા વિપક્ષની માંગણી આગામી મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં ફગાવી દેવાય તેવી પૂરી શકયતા છે અને તેથી બોર્ડની આગામી બેઠક પણ તડાફડીવાળી બનવાના એંધાણ છે. વિપક્ષ કોંગ્રેસે સૂચવેલા સુધારાં કોંગ્રેસે આ વખતે સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલ્યું છે અને શહેરના સાબરમતી રિવરફ્રન્ટની બંને બાજુ આવેલા ૪૦ મંદિરો સહિત કુલ ૫૦ જેટલા ધાર્મિક સ્થાનોના વિકાસ માટે રૂ.૨૦ કરોડની ફાળવણી કરવા માંગણી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વના કાર્ડને ખેલીને ભાજપને બેકફુટ પર ધકેલી દીધુ હતુ ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વની તેની વ્યૂહરચનાને આગળ ધપાવી છે. મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસે સૂચવેલા સુધારા અંગે મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, પૂર્વ નેતાઓ બદરૂદ્દીન શેખ અને સુરેન્દ્ર બક્ષીએ જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોની અમ્યુકો સત્તાવાળાઓ પાસેથી મેળવવાની સેવાઓ અને અપેક્ષાઓ ઠગારી નીવડી રહી છે અને શહેરમાં આડેધડ ખોદેલા રોડ-રસ્તા, પાણીની સમસ્યા, ડ્રેનેજ લાઇન, ઉભરાતી ગટરો સહિતની સમસ્યાઓ જૈસે થે હોઇ શાસકપક્ષની બિનકાર્યક્ષમતા સામે આવી ગઇ છે. શાસક પક્ષે સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ કરેલા બજેટમાં કોંગ્રેસ પક્ષે શહેરના સર્વાંગી વિકાસ અનએ નગરજનોની સેવા-સુખાકારી માટે રૂ.૧૫૧ કરોડના વધારા સૂચવાયા છે. જેમાં સૌથી મહત્વનું, સાબરમતી રિવરફ્રન્ટની બંને બાજુ આવેલા ૪૦ મંદિરો સહિત કુલ ૫૦ ધાર્મિક સ્થાનોના વિકાસ માટે રૂ.૨૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે. સાથે સાથે રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે ૩૦ મંદિરો અને પૂર્વ છેડાના ૧૦  મંદિરોમાં બાઉન્ડ્રીના બહાને ભાજપના શાસકોએ કપાત મૂકી છે, તે કપાત દૂર કરી આ ધાર્મિક સ્થાનોને રેગ્યુલરાઇઝ કરવાની નીતિ બનાવવા અમે માંગ કરી છે. અમદાવાદ શહેરને હેરીટેજ સીટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે ત્યારે આપણા ઐતિહાસિક ધાર્મિક સ્થાનોની જાળવણી અને વિકાસ કરવાની અમ્યુકો સત્તાવાળાઓની નૈતિક જવાબદારી બને છે. આ સિવાય પૂર્વ વિસ્તારમાં ૫૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતુ સ્ટેડિયમ બનાવવા રૂ.૨૦ કરોડ ફાળવવા, શહેરના વિવિધ બગીચાઓમાં ૧૦૦ જેટલા વાંચનાલય ઉભા કરવા રૂ.૧૦ કરોડની ફાળવણી કરવા, સ્લમ અને હાઉસીંગ રિ ડેવલપમેન્ટની નીતિમાં સુધારો કરી ગરીબોને ૫૦ ચો.મીનું મકાન આપવા, પ્રોપર્ટી ટેક્સની અસરકારક રીકવરી માટે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ લાગુ કરવા, છ ઝોનમાં છ વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા, જંત્રી આધારિત ટેકસમાં ૫૦ ટકા રાહત અને પ્રોપર્ટી ટેક્સમાં ૧૮ ટકાના બદલે સાત ટકા વ્યાજ, પૂર્વ વિસ્તારમાં બાળકો માટે એક મલ્ટીસ્પેશ્યાલિટી પીડિયાટ્રીક હોસ્પિટલ માટે રૂ.૩૫ કરોડ ફાળવવા, પૂર્વ વિસ્તારમાં ઓલિમ્પિક કક્ષાનો સ્વીમીંગ પુલ અને જીમ્નેશીયમ બનાવવા રૂ.૧૫ કરોડ ફાળવવા, શહેરીજનોને ૩૬૫ દિવસ પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડવા, ૭૫ વર્ષથી વધુ વય ધરાવતા તમામ વૃધ્ધજનોને મફત મુસાફરી અને મફત મેડિકલ સારવાર ઉપલબ્ધ બનાવવા, શહેરના તમામ ઝોનમાં એક મોટું વેજીટેબલ માર્કેટ બનાવવા રૂ.૧૨ કરોડની ફાળવણી કરવા સહિતના વિકાસ કાર્યો માટે કુલ રૂ.૧૫૧ કરોડના વધારા સૂચવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આટલા વર્ષોના ઇતિહાસમાં વિપક્ષ કોંગ્રેસે સૂચવેલા સુધારાને શાસકપક્ષે કયારેય માન્ય રાખ્યા નથી અને તેથી આગામી મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં તડાફડી થવાની પણ પૂરી શકયતા છે.

(7:31 pm IST)