ગુજરાત
News of Tuesday, 7th December 2021

રાજ્યમાં દોઢ લાખ સહીત દેશમાં ટીબીના 25 લાખ દર્દીઓ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે 2025 સુધીમાં ટીબીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવશે

અમદાવાદ : ભારત સામેના સૌથી મોટા પડકારોમાં કેટલાક જીવલેણ રોગ પણ સામેલ છે. અત્યારે બધાનું ધ્યાન કોરોના તરફ છે, પરંતુ દેશમાં ટીબીના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક છે. આખા ભારતમાં અત્યારે ટીબીના લગભગ 25 લાખ દર્દીઓ છે જ્યારે એકલા ગુજરાતમાં આ રોગના 1.5 લાખથી વધુ દર્દી છે.

ગુજરાત વિધાનસભાના શાસક પક્ષ ખંડ ખાતે મંગળવારે ધારાસભ્યો માટે "રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

તેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે 2025 સુધીમાં ટીબીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવશે. ટીબીની સારવાર થઈ શકે છે. ગુજરાતમાં સામાજિક જાગૃતિ થકી ટીબીને નેસ્ત નાબૂદ કરવામાં આવશે. રાજ્યના પછાત જિલ્લામાં ટીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ જણાવ્યું કે, દેશમાં 25 લાખ દર્દીઓ છે. ટીબીની આધુનિક સારવાર લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવશે. સરકાર દ્વારા સ્લમ વિસ્તારોમાં આ રોગ નાબૂદ કરવાનો પ્રયાસ રહેશે. વડાપ્રધાને 2025નું લક્ષ્‍યાંક નક્કી કર્યું છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ટીબીની દવાઓ ઉપલબ્ધ છે. સામાજિક સંસ્થા અને એનજીઓને સાથે રાખીને ગુજરાતને ટીબી મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટીબીની સારવાર માટે આદિવાસી વિસ્તારમાં 1 હજાર રૂપિયા અને મહિને 500 રૂપિયા આપવામાં આવે છે. તમામની સારવાર સરકાર કરી રહી છે. તેમણે આપણે ત્યાં કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર માટે તૈયારી ચાલી રહી છે. નાણાં વિભાગ સાથે આ વિશે ચર્ચા ચાલુ છે અને સમયસર નિર્ણય લેવામાં આવશે. ડોકટરોની માંગની ચર્ચા બાદ વિભાગ સાથે 60 થી 70 હજાર ટેસ્ટીગ ચાલે છે. ઓમિક્રોનના ભય વચ્ચે અમે ટેસ્ટિંગ વધાર્યું છે. છેલ્લા 15 દિવસમાં 40 કેસોનું ટેસ્ટીંગ થયું છે. 350 એક્ટિવ કેસ છે. રાજ્યમાં વિદેશથી આવતા પ્રવાસીઓને ફરજિયાત કોરિન્ટાઇન રહેવું પડશે જેમાં આરોગ્ય વિભાગની ટીમ ફરજીયાત તપાસ કરી રહી છે. આરટીપીસીઆર ટેસ્ટનો ચાર્જ 400 રૂપિયા છે, જે વધારે ન કહેવાય.

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો માટે "રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ" યોજાયો હતો જેમાં ગણેશ વાસુદેવ માવળકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરોના અને સ્ટેટ ટીબી સેલ ગાંધીનગરના ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતમાં ટીબીના નિદાન, સારવાર અને દવાની શુ વ્યવસ્થા છે? બાળકોમાં થતો ટીબી અને ડ્રગ રેજિસ્ટન્ટ ટીબીનું નિદાન અદ્યતન ટેકનોલોજીથી કેવી રીતે કરવામાં આવે છે? વગેરે વિષય પર વાત કરવામાં આવી હતી. ટીબીના દર્દીની બે ગળફાની માઇક્રોસ્કોપી માટે ગુજરાત રાજ્યમાં 2071 ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપિક સેન્ટર બનાવવામાં આવે છે. ઉપરાંત ગંભીર પ્રકારના ટીબીના નિદાન માટે 3 કલ્ચર લેબોરેટરી અને 77 ટ્રુનાટ લેબોરેટરી ઉપલબ્ધ છે. ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપીક સેન્ટરની સંખ્યા 2062 કરવામાં આવી છે.

(1:12 am IST)